AAPના કોર્પોરેટરોને 50 લાખથી 1 કરોડ સુધીમાં ખરીદવાનું ભાજપનું ષડયંત્ર : ઈશુદાન ગઢવી

સુરત શહેર આમ આદમી પાર્ટીમાંથી છ જેટલા કોર્પોરેટરોએ પાર્ટીથી છેડો ફાડી ભાજપમાં જોડાતા શહેર આપ પાર્ટીમાં હમણાં સુધીનું સૌથી મોટું ગાબડું પડ્યું છે. પાર્ટી છોડી ગયેલા છ કોર્પોરેટર અંગે પ્રદેશ નેતા ઇસુદાન ગઢવીએ ભાજપ સામે ગંભીર આક્ષેપ કર્યા છે. ઇસુદાન ગઢવીએ આક્ષેપ કરતા જણાવ્યું છે કે, ભાજપે ખરીદ-વેચાણ સંઘ શરૂ કર્યું છે.
156ની સરકાર આજે છ કોર્પોરેટરોને લેવા માટે ઘૂંટણીએ પડી એ જ બતાવે છે કે ભાજપ આમ આદમી પાર્ટીથી કેટલું ડરી ગયું છે. સામ, દામ, દંડ અને ભેદની નીતિ અપનાવી આપ પાર્ટીના કોર્પોરેટરોને 50 લાખથી લઈ 1 કરોડ સુધીમાં લઈ જવા અંગેનું ષડયંત્ર રચ્યું છે. ચૈતર વસાવાને મંત્રી પદ સુધી પ્રલોભનો આપવામાં આવ્યા છે, પરંતુ ચૈતર આદિવાસી સમાજના હીરો અને મજબૂત વ્યક્તિ છે. મનસુખ વસાવાને પણ ડીબેટ માટેની ખુલ્લી ચેલેન્જ તેમણે જ આપી હતી.
ઈશુદાને કહ્યું કે, જે લોકો પાર્ટી છોડી રહ્યા છે, તે પ્રજા સાથે વિદ્રોહ છે. પાંચથી છ લોકોના જવાથી આપ પાર્ટીને કોઈ ફરક પડતો નથી. ચૂંટણી આવ્યેથી 600 લોકો આવા મળી જશે. પરંતુ પ્રજા સાથે ગદ્દારી અને વિદ્રોહ કરવો તેવા કાર્યકરોને સમાજ બહાર ફેંકી હાંકી કાઢો તેવી ગુજરાતની જનતાને મારી અપીલ છે. ભાજપ પાસે ભ્રષ્ટાચારનો ઘણો રૂપિયો પડ્યો છે. જેનો ઉપયોગ આવા કામમાં કરવામાં આવી રહ્યો છે. રૂપિયાના જોરે અન્ય કોર્પોરેટરોને હજી પણ ડરાવવા અને ધમકાવવામાં આવી રહ્યા છે.










