
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગ
ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં સતત ચોથા દિવસે કમોસમી માવઠાએ કહેર વર્તાવતા શાકભાજી સહિત ફળફળાદી જેવા પાકોને જંગી નુકસાન થતાં ડાંગના ખેડૂતો પાયમાલ બન્યા..
રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં છેલ્લા ચાર દિવસથી ઋતુચક્રનાં મૌસમે મિજાજ બગાડતા સમગ્ર પંથકોનો માહોલ ચોમાસામય બની જવા પામ્યો છે.ડાંગ જિલ્લામાં સતત ચોથા દિવસે વીજળીનાં કડાકા ભડાકા સાથે કમોસમી માવઠું તૂટી પડયુ હતુ. ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા, શામગહાન,આહવા,વઘઇ સહીત પૂર્વપટ્ટીનાં ગામડાઓમાં સોમવારે મોડીસાંજે વીજળીનાં કડાકા ભડાકામાં થોડાક સમય માટે મધ્યમ સ્વરૂપેનો વરસાદ તૂટી પડતા સર્વત્ર માર્ગો પર પાણીની રેલમછેલ જોવા મળી હતી.ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં સતત ચોથા દિવસે પડેલ માવઠાનાં પગલે શાકભાજી સહિત કેરી,સ્ટ્રોબેરીનાં પાકો છીન્ન ભિન્ન થઈ જવા પામતા ખેડૂતોને મોટી આર્થિક ખોટ સહન કરવાનો વારો આવ્યો છે. ચાલુ વર્ષે શિયાળા અને ઉનાળાની ઋતુમાં પણ ડાંગ જિલ્લામાં કમોસમી માવઠાનો કહેર યથાવત રહેતા ડાંગવાસીઓને માથે હાથ દેવાનો વારો આવ્યો છે.સોમવારે ગિરિમથક સાપુતારા ખાતે પણ ગાજવીજ સાથે કમોસમી માવઠુ પડતા જોવાલાયક સ્થળોનું વાતાવરણ આહલાદક બની જવા પામ્યુ હતુ.ગિરિમથક સાપુતારા ખાતે વરસાદી માહોલનાં પગલે વાતાવરણમાં શીત લહેર વ્યાપી જતા ફરવા આવેલ પ્રવાસીઓનો ઉન્માદ બેવડાયો હતો..





