
તા.૨૫ માર્ચ
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
જેતપુર તાલુકાના આરબ ટીંબડી ગામે રાયોટીંગના આરોપીને પકડવા ગયેલ તાલુકા પોલીસની ટીમ પર પણ આરોપીઓએ ધારીયું, લોખંડનો પાઇપ લાકડી અને પથ્થર વડે હુમલો કરતા એક કોન્સ્ટેબલને માથામાં ગંભીર ઇજા પહોંચી હતી. પોલીસ પર હુમલાનો બનાવ બનતા જીલ્લાભરની પોલીસની ટીમેં નાઈટ કોમબિંગ કરી આરોપીઓને ઝડપી લીધા હતાં.
જેતપુર તાલુકાના આરબ ટીંબડી ગામે રહેતા જયેશ ઉર્ફે અશોક નટુભાઈ મકવાણા નામનો યુવાન ગામની સીમમાં ખેતર ધરાવે છે. ગતસાંજના સમયે અશોક પોતાના ખેતરેથી ઘરે આવતો હતો ત્યારે ત્યાં જ ખેતર ધરાવતા કૌટુંબિક ભાઈ બાવનજી ઉર્ફે બાવકીભાઈ મકવાણા હાથમાં ધારીયું લઈને આવેલ અને સાથે તેમની પત્ની ભાવનાબેન, પુત્રો રવિ, ધમો, જયસુખ અને તેમનો કૌટુંબિક ભાઈ ઉકાભાઈ મકવાણા હાથમાં લાકડી લઈને આવેલ હતાં. જેમાં બાવકીભાઈએ હવે અહીંથી મારા ખેતર પાસેથી નીકળતો નહિ તેમ બોલી તેની પાસે રહેલ ધારીયુ અશોકને માથામાં મારી દીધું અને બીજા શખ્સોએ લાકડી વડે મારમારતા અશોક ત્યાંથી માંડ માંડ જીવ બચાવી સારવાર માટે જેતપુર સરકારી હોસ્પીટલ આવેલ હતો.

આરબ ટીંબડી ગામમાં બે જૂથ વચ્ચે માથાકૂટ થઈ હોવાની જાણ ગામના સરપંચે પોલીસને કરતા તાલુકા પોલીસની ટીમ સ્થળ પર આરોપીને પકડવા ગઈ હતી. અને આરબ ટીંબડી ગામે પહોંચી માથાકૂટ વાળી જગ્યાએ જતાં બાવકી તેમની પત્ની, પુત્રી, બે પુત્રો સહિત સાતેક જણાએ પોલીસને ચાલ્યા જવા ઉપરાંત બેફામ ગાળો ભાંડી મારી નાખવાની ધમકી આપી રોફ જમાવવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસ આરોપીનું ઉગ્ર રૂપ જોય આરોપીઓ ગામમાં વધુ માથાકૂટ કરે તે પેલા તેને પકડી લેવા આગળ વધતા જ આરોપીઓએ તેમની પાસે રહેલ ધારીયું, લાકડીઓ, પાઇપ તેમજ પથ્થર વડે પોલીસ પર હુમલો કરી દીધો. જેમાં બાવકીએ જયસુખભાઈ સોરીયા નામના કોન્સ્ટેબલના માથામાં ધારીયું મારી દેતાતે લોહીલુહાણ થઈ ગયા હુમલાખોરો આટલાથી પણ અટકતા પથથરો અને લાકડી વડે હુમલો કરતા સંજયભાઈ પરમાર નામના હેડ કોન્સ્ટેબલને હાથની આંગળીઓમાં ફ્રેકચર જેવી ઇજા પહોંચી હતી. આકસ્મિક હુમલામાં ઇજાગ્રસ્ત પોલીસ કોન્સ્ટેબલને સારવારની તાત્કાલિક જરૂર હોય અન્ય પોલીસ કર્મી.ઓ બંને ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પીટલ લઈ ગઈ હતી.
પોલીસ પર આરોપીઓએ હુમલો થતાં પોલીસે આરોપીઓ સામે મારી નાખવાની કોશિષ, રાયોટીંગ, ફરજમાં રુકાવટ વગેરે કલમ હેઠળ ગુન્હો નોંધી
ડીવાયએસપી રોહિત ડોડીયાની સીધી દેખરેખ હેઠળ જિલ્લાભરની પોલીસની વિવિધ શાખાઓના પોલીસ જવાનોની ટીમ આરબ ટીંબડી ગામે પહોંચી આરોપીને ઝડપી લેવા નાઈટ કોમબિંગ હાથ ધર્યું હતું. જેમાં ધર્મેશ ઉર્ફે ધમો, કાજલ બાવનજી, જયસુખ ઉર્ફે બાડો, ભાવના બાવનજી, તેમજ ઉકા મગનની મળી આવતા તેઓની પોલીસે ધરપકડ કરી હતી. જ્યારે હુમલાનો મુખ્ય સૂત્રધાર બાવકી અને રવિની શોધખોળ હાથ ધરી છે. મુખ્ય આરોપી ધર્મેશ ઉર્ફે ધમા ઉપર મારામારી, દારૂ, જુગાર જેવા અસંખ્ય ગુન્હાઓ નોંધાયેલ છે એટલે કે તે હિસ્ટ્રીશીટર છે.
પોલીસના કોમ્બિંગમાં આરોપી બાવકીની દેશી દારૂની ભઠ્ઠી તૈયાર દેશી દારૂ અને આથો પણ પણ મળી આવતા પ્રોહીબિશન હેઠળ પણ ગુન્હો પોલીસે નોંધ્યો હતો.