
અમેરિકન શોર્ટ સેલિંગ અને રિસર્ચ કંપની હિન્ડનબર્ગના અદાણી જૂથ પર ગેરરીતિના આરોપો પછી સર્જાયેલું વાવાઝોડું શાંત થવાનું નામ નથી લેતું. આ સમગ્ર વિવાદમાં હવે અમેરિકન અબજોપતિ રોકાણકાર જ્યોર્જ સોરોસ કૂદી પડયા છે. અદાણી વિવાદ મુદ્દે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધતા કહ્યું કે, અદાણી મુદ્દે વડાપ્રધાન મોદી હજુ સુધી ચૂપ છે, પરંતુ તેમણે વિદેશી રોકાણકારો અને સંસદમાં વિપક્ષને જવાબ આપવો પડશે.
અમેરિકાના ૯૨ વર્ષીય રોકાણકાર જ્યોર્જ સોરોસે ગુરુવારે મ્યુનિચ સિક્યોરિટી કોન્ફરન્સમાં અદાણી મુદ્દે પીએમ મોદી પર નિશાન સાધતા કહ્યું કે, હિન્ડનબર્ગ રિસર્ચના દાવા પછી ગૌતમ અદાણીના સામ્રાજ્યમાં ઉથલ-પાથલ મચી છે અને રોકાણકારોનો વિશ્વાસ હચમચી ગયો છે. છતાં નરેન્દ્ર મોદી ચૂપ છે, પરંતુ તેમણે વિદેશી રોકાણકારો અને ભારતીય સંસદમાં જવાબ આપવો પડશે. તેમણે કહ્યું, અદાણી વિવાદથી ભારત સરકાર પર મોદીની પક્કડ નબળી થશે અને લોકતાંત્રિક માર્ગે સત્તા પરિવર્તનનો રસ્તો ખુલશે. ભારત લોકતાંત્રિક દેશ છે, પરંતુ મોદી લોકતાંત્રિક નથી. તેમના મોટા નેતા બનવા પાછળનું કારણ મુસ્લિમો સાથે કરાયેલી હિંસા છે.
જ્યોર્જ સોરોસે જ્યોર્જ સોરોસ આ પહેલાં ૨૦૨૦માં પણ વર્લ્ડ ઈકોનોમિક ફોરમમાં ભારત અને પીએમ મોદીની ટીકા કરી ચૂક્યા છે. તે સમયે તેમણે કહ્યું હતું કે, મોદીના નેતૃત્વમાં ભારત તાનાશાહી વ્યવસ્થા તરફ આગળ વધી રહ્યું છે. તેમણે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હેટાવવા અને નાગરિક્તા સંશોધન કાયદા (સીએએ) મુદ્દે પણ પીએમ મોદીનો ખૂલીને વિરોધ કર્યો હતો. દરમિયાન જ્યોર્જ સોરોસના આક્ષેપો અંગે તીવ્ર પ્રતિક્રિયા આપતાં માહિતી અને પ્રસારણ મંત્રાલયના વરિષ્ઠ સલાહકાર કંચન ગુપ્તાએ જણાવ્યું કે, ભારતમાં લોકતાંત્રીક ઢબે ચૂંટાયેલી સરકારને વારંવાર તોડી પાડવા માટે રચાયેલું વધુ એક કાવતરું ખુલ્લુ પડી ગયું છે. જ્યોર્જ સોરોસના નેતૃત્વમાં ચાલતા ધ ઓપન સોસાયટી ફાઉન્ડેશનના નાણાંથી આ પ્રયત્નો થતા હતા.બીજીબાજુ ભાજપે પણ આકરી પ્રતિક્રિયા આપતાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે, સોરોસે જાહેરાત કરી છે કે પીએમ મોદીને તે નિશાન બનાવશે. કોંગ્રેસે પણ જ્યોર્જ સોરોસની ઝાટકણી કાઢી હતી. જયરામ રમેશે કહ્યું, પીએમ મોદી સાથે સંકળાયેલું અદાણી કૌભાંડ ભારતમાં લોકતાંત્રિક પુનરુત્થાન શરૂ કરે છે કે નહીં તે સંપૂર્ણપણે કોંગ્રેસ, વિપક્ષ અને અમારી ચૂંટણી પ્રક્રિયા પર નિર્ભર કરે છે. તેને જ્યોર્જ સોરોસ સાથે કોઈ લેવા-દેવા નથી.










