નવસારી:ગણદેવીના ખખવાડા ગામના વિપિનભાઇ નાયક પ્રાકૃતિક ખેતી કરી વર્ષે ચાર લાખ જેટલી આવક મેળવે છે.

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ નવસારી
ગુજરાતના ખેડૂતો ખેતી સાથે પશુપાલન સાથે પણ સંકળાયેલા છે. ખેડૂતો ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતાં પણ થયા છે.
નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના ખખવાડા ગામના વિપીનભાઇ ખંડુભાઇ નાયક છેલ્લા સાત વર્ષથી બાર વીઘા જમીનમાં ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરે છે. જેમાં મુખ્ય પાક આંબા અને ચીકુ છે. આંબા સાથે હળદર, રતાળુ કંદ, સુરણની પણ ખેતી કરે છે. આ અગાઉ વિપિનભાઇ રાસાયણિક ખાતરનો ઉપયોગ કરતા હતાં પરંતુ તેમા ખર્ચ વધુ અને આવક ઓછી મળવા સાથે જમીનનો બગાડ પણ થતો હતો. જેથી તેઓએ આત્મા પ્રોજેકટ, ખેતીવાડી વિભાગ, બાગાયત વિભાગના માર્ગદર્શનથી પ્રાકૃતિક ખેતી કરવાનો નિર્ધાર કર્યો. પ્રાકૃતિક ખેતી કરવા માટે ગાય રાખવાનો નિર્ણય અમલમાં મૂકયો. તેઓએ નવ જેટલી ગીર ગાય પણ રાખી છે. પ્રાકૃતિક ખેતી કરવા માટે એક ગીર ગાયના નિભાવ માટે સરકારશ્રી દ્વારા વાર્ષિક દસ હજારથી વધુની સહાય મળે છે. જેના ગોબર તેમજ ગૌમૂત્રમાંથી જીવામૃત બનાવી ખેતરમાં ઉપયોગ કરે છે.
વિપિનભાઇ આંબા અને ચીકુની માવજત માટે ગોળ અને દૂધનો મિશ્રણ કરી છંટકાવ કરે છે. તેમજ આંકડો, લીંબડો, કરંજ, સીતાફળના પાંદડાનો રસ ૨૦૦ લીટર પાણીમાં ગોળ નાંખીને મિશ્રણ કરી આંબા અને ચીકુ પર છંટકાવ કરતાં તેમાં જીવાત પડતી નથી. આમ કરવાથી ફળોનું વિકાસ પણ વધુ થાય છે. પ્રાકૃતિક ખેતીથી થતા ફળોની મીઠાશ પણ વધુ સારી હોય છે એમ વિપિનભાઇ જણાવે છે.
વિપિનભાઇ નાયકે વડાપ્રધાનશ્રી ચીખલી તાલુકામાં આવ્યા હતાં એ દિવસે તેઓની મુલાકાતમાં પ્રાકૃતિક ખેતીની વાત કરી હતી. ત્યારે વડાપ્રધાનશ્રીએ પણ વિપિનિભાઇને ખાસ પ્રોત્સાહિત કર્યાં હતાં અને અન્ય ખેડૂતોને પણ પ્રાકૃતિક ખેતીની મહત્તા સમજાવવા જણાવ્યું હતું. વિપિનભાઇએ આજુબાજુના ગામના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી વિશે સમજણ આપી, રાજય સરકારશ્રીના બાગાયત વિભાગ, આત્મા પ્રોજેકટ, ખેતીવાડી વિભાગ દ્વારા મળતી વિવિધ સહાયનો લાભ લેવા જણાવ્યું હતું.
આજે વિપિનભાઇ નાયક પ્રાકૃતિક ખેતી કરી વર્ષે ચારેક લાખ જેટલી આવક મેળવે છે. તેઓ સરકારશ્રીની વિવિધ સહાય મળવા બદલ આભાર વ્યકત કર્યો હતો.





