KUTCH
કચ્છમાં મંજૂરી વિના ઇમારતોના બેઝમેન્ટ્સમાં ધમધમતા રેસ્ટોરન્ટ, જીમ કોચિંગ કલાસ અને શો-રૂમ પર તંત્ર હજુ મહેરબાન
ઝોન-૫ માં આવતા કચ્છમાં ગ્રાઉન્ડ+બે માળની મંજૂરી, તેમ છતાં ત્રીજા માળે પતરાના ઉભા કરાતા શેડ પણ અત્યંત જોખમી

તા.૨૮ મે, ૨૦૨૪
બિમલ માંકડ – પ્રતીક જોશી
રાજકોટમાં ટીઆરપી ગેમઝોનમાં ૨૭ લોકો જીવતા હોમાયા બાદ કુંભ નિંદ્રામાથી જાગેલા તંત્રએ ફાયર સેફટી વિના ચાલતા આઠ-દસ ગેમઝોન બંધ કરાવી આત્મસંતોષ માની લીધો છે. જ્યારે મોટાભાગના શહેરી વિસ્તારોમાં બહુમાળી ઇમારતોના બેઝમેન્ટમાં પાર્કિંગની જગ્યાએ ગેરકાયદેસર ધમધમતા રેસ્ટોરન્ટ, જીમ, કોચિંગ કલાસ અને શો-રૂમ ઉપર મીઠી નજર રાખી છે.
ખાસ કરીને સત્તા મંડળોની હેઠળ આવતા વિસ્તારોમાં કોમર્શિયલ બાંધકામોમાં પાર્કિંગ માટે બેઝમેન્ટની મંજૂરી તો મેળવવામાં આવે છે પણ પૈસાના લાલચુ બિલ્ડરો દ્વારા કા તો બેઝમેન્ટ ભાડે આપી દેવામાં આવે છે અને ક્યાંક તો બેઝમેન્ટ વેંચી દીધાના દાખલા પણ સામે આવ્યા છે! બીજી તરફ પાર્કિંગ માટે અનામત બેઝમેન્ટમાં સ્ટેબિલિટી સર્ટિફિકેટ અને ફાયર વિભાગની એનઓસી જેવી મંજૂરી મેળવવી લગભગ અશક્ય હોવાથી મોટાભાગના રેસ્ટોરન્ટ, જીમ અને શો-રૂમ વગર મંજૂરીએ જ ચલાવવામાં આવે છે. કદાચ આવા કોઈ કોમર્શિયલ એકમમાં રાજકોટ જેવી ગંભીર ઘટના બનશે ત્યારબાદ જ તંત્રની આંખ ઉઘડશે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે.
[wptube id="1252022"]