સ્માર્ટ મીટર સામે વડોદરાજનો અને સુરતીઓમાં સ્વયંભૂ આક્રોશ
બે મહિનાનુ બિલ 2500 આવતું હતું અને 20 દિવસમાં જ 2200 કપાઈ ગયા, કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપને ઘરે બેસાડીશું

સ્માર્ટ સિટીઓમાં સ્માર્ટ મીટર લગાવવાનું કામ શરૂ થઈ ગયું છે. પરંતુ આ પ્રોજેક્ટ સંપૂર્ણ પાર પડે તે પહેલા જ તેનો વિરોધ શરૂ થયો છે. સ્માર્ટ મીટરથી વધુ બિલ આવતા હોવાનો દાવો કરાયો છે, તો વિપક્ષે ચીમકી આપી છે કે જો સ્માર્ટ મીટર લાગ્યા તો ઉગ્ર આંદોલન કરીશું.
વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાંથી શરૂ થયેલો નવા વિરોધ હવે ધીમે ધીમે પૂર્વ વિસ્તાર તરફ પ્રયાણ કરી રહ્યો છે. શહેરના સમા વિસ્તાર વોર્ડ નંબર 2 માં સમાવિષ્ટ સોસાયટીના રહીશોએ મધ્ય ગુજરાત વીજ કંપનીની સમા પેટા વિભાગીય કચેરી ખાતે મોરચો માડી ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો અને નવા સ્માર્ટ મીટર કાઢી નાખી જૂના સ્માર્ટ મીટર લગાવી આપવા માંગ કરી હતી
વડોદરા શહેરમાં મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા નવા સ્માર્ટ વીજ મીટર લગાવવામાં આવી રહ્યા છે. મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા હાલમાં વડોદરામાં 27,440 જુદા જુદા 12 સબ ડિવિઝનમાં નવા સ્માર્ટ વીજ મીટર લગાવવામાં આવ્યા છે, તેમાંથી 15 હજાર હાલ એક્ટિવ છે. એમજીવીસોએલના કાર્યક્ષેત્રમાં ભારત સરકારની આરડીએસએસ સ્કીમ અંતર્ગત જાન્યુઆરી મહિનાથી સ્માર્ટ મીટર લગાવવાનું શરૂ કરવામાં આવ્યું હતું. હાલ વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારોમાં નવા સ્માર્ટ વીજ મીટરનો વિરોધ થઈ રહ્યો છે. શહેરના પશ્ચિમ વિસ્તારમાંથી શરૂ થયેલો આ વિરોધ હવે ધીમે ધીમે પૂર્વ વિસ્તાર તરફ પ્રયાણ કરી રહ્યો છે. છેલ્લા ત્રણ દિવસના વિરોધ બાદ આજે સતત ચોથા દિવસે પણ શહેરના સમા વિસ્તારમાં આવેલ વોર્ડ નંબર 2 માં સમાવિષ્ટ ન્યુ સમા રોડ ઉપર આવેલી સરસ્વતી સોસાયટી, આકાશગંગા, સુંદરવન, દાદા પાર્ક, જવાહર પાર્ક જાદવ પાર્ક સહિતની સોસાયટીના રહીશોએ આજે એકત્ર થઈ મધ્ય ગુજરાત વીજ કંપનીની સમા પેટા વિભાગીય કચેરી ખાતે હલ્લો મચાવ્યો હતો. આકરા તાપ વચ્ચે લોકોએ જમીન પર બેસી જઈ રામધૂન કરી ઉગ્ર સુત્રોચાર કર્યા હતા. રજૂઆત કરવા પહોંચેલા લોકોએ જણાવ્યું હતું કે જુના વીજ મીટરમાં બે મહિનાનું બિલ 3600 રૂપિયા આવતું હતું. હાલ દસ દિવસમાં જ 2000 રૂપિયાનું રિચાર્જ પૂરું થઈ ગયું છે. દર બે ત્રણ દિવસમાં 1000-1500 રૂપિયાનું રિચાર્જ કરવું પડે છે જે અમને પરવડે તેમ નથી. રોષે ભરાયેલા લોકોએ જીબી કચેરીની બહાર આંકડા તાપમાન જમીન પર બેસી જાય રામધુન બોલાવી હતી, તેમજ ઉગ્ર સૂત્રોચારો કર્યા હતા અને નવા સ્માર્ટ વીજ મીટર કાઢી નાખી જુના સ્માર્ટ મીટર લગાવી આપવા માંગણી કરી હતી.
બીજી તરફ સુરતમાં સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી જોરશોરથી તેજ ગતિએ ચાલી રહી છે. વેસુ વિસ્તારમાં છેલ્લા 15 દિવસ પૂર્વે જ સ્માર્ટ મીટર લગાવવાનું શરૂ થયું હતું. જ્યાં મીટર લાગ્યા ત્યાં અત્યારથી જ લોકો ચાર ગણું બિલ પખવાડિયામાં આવી રહ્યું હોવાની ફરીયાદો કરી રહ્યાં છે. દક્ષિણ ગુજરાત વીજ કંપનીનાં સ્માર્ટ મીટરો સંપૂર્ણ રીતે હજી આખા શહેરમાં લાગ્યા નથી અને પાયલટ પ્રોજેક્ટ તરીકે વેસુ વિસ્તારમાંથી શરૂઆત કરવામાં આવતા જ વિવાદ ઊભો થયો છે.
વેસુ નિર્મળ નગર SMC આવાસ અને સોમેશ્વરા એન્કલેવ સહિતના વિસ્તારોમાં જ્યાં સરેરાશ બે મહિનાના વીજ બિલ 2000થી 3000 રૂપિયા આવતા હતા. એ ગ્રાહકોએ 2000 થી 3000 રૂપિયાનું રિચાર્જ કરાવતા માત્ર 15 દિવસમાં રિચાર્જની રકમ પૂરી થઈ જતાં વેસુનાં લોકોએ પીપલોદ DGVCL કચેરીએ હોબાળો મચાવ્યો હતો.
વેસુના રહેવાસીઓનું કહેવું છે કે, જ્યારે તેઓએ ડિજીવીસીએલના અધિકારીઓને ઊંચા બીલ અંગે ફરિયાદ કરી તો તેઓએ તેને ટાળી દીધો. સ્માર્ટ મીટર કેવી રીતે કામ કરે છે અને ગ્રાહકને કોઈ રિબેટ આપવામાં આવે છે કે કેમ તે અંગે દ્વિધા ઊભી થઈ છે.કોમન ગંભીર ફરિયાદ ગ્રાહકોની એ છે કે,બે મહિનામાં 2000 રૂપિયા આવતું વીજળીનું બિલ માત્ર 15 દિવસમાં 4000 રૂપિયા સુધી પહોંચી જઈ રહ્યું છે. રાજેશ કેજરીવાલે જણાવ્યું હતું કે ચોર્યાસીના ધારાસભ્ય સંદીપ દેસાઈને ફરિયાદ કરી છે તેમણે બધા બિલ ભેગા કરીને આવો.પછી અધિકારીઓ પાસે જ ડેટા મેચ કરાવીશું એવી ખાતરી આપી છે.
એક સ્થાનિક આગેવાને આક્રોશ વ્યક્ત કર્યો હતો કે, ગરીબ અને મિડલ ક્લાસને સ્માર્ટ મીટરની કોઈ જાણકારી નથી..સ્માર્ટ મીટર લગાવવા હોય તો ઉદ્યોગપતિઓના ઘરે લગાવો…સરકાર જો વીજ મીટરો લગાવવા માટે બળજબરી કરશે તો અમે ગાંધીનગર સુધી પણ આંદોલન કરીશું, જનતા આગામી કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપને ઘરે બેસાડશે.
દરમિયાન વીજ કંપનીના અધિકારીએ પણ સ્વીકાર્યુ હતું કે, લોકોમાં સ્માર્ટ મીટર લગાવતા પહેલા બહોળો પ્રચાર કરવાની જરૂર છે અને અમે લોકોને કહ્યું છે કે, તમને કોઈ સમસ્યા હોય તો અરજી આપો. અમે લોકોના ઘરે ચેક મીટર બેસાડવા માટે તૈયાર છે અને તેમને વીજ બિલની ગણતરી સમજાવવા માટે પણ તૈયાર છે. સ્માર્ટ મીટરો પાછા લેવાની લોકોની જે લાગણી છે તે હું ઉપરી અધિકારીઓ સુધી પહોંચાડીશ.











