Rajkot: “વી.ડી.પારેખ અંધ મહિલા વિકાસ ગૃહ” ખાતે “દિવ્યાંગજન સશક્તિકરણ અર્થે ગુજરાત લોક સંવાદ” મતદાતા જાગૃતિ કાર્યક્રમ યોજાયો

તા.૧/૫/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
ચૂંટણી પંચ દ્વારા દિવ્યાંગો માટે હોમ વોટીંગ, પીકઅપ અને ડ્રોપ ફેસેલીટી, વ્હીલ ચેર સહીતની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે
શ્રી ઈલાબેન ચૌહાણ, પી.ડબ્લયુ.ડી ના નોડલ અધિકારી
Rajkot: લોકશાહીને મજબૂત કરવા માટે દરેક નાગરીક “લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪”માં અચુક મતદાન કરે તે માટે રાજકોટ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા “સ્વીપ” પ્રવૃતિ અંતર્ગત “મતદાન જાગૃત્તિ”ના અનેકવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે વી.ડી.પારેખ અંધ મહિલા વિકાસ ગૃહ ખાતે સમાજ સુરક્ષા વિભાગ દ્વારા રાષ્ટ્રીય દિવ્યાંગ નાણા અને વિકાસ નિગમ તથા ભારતીય ચરીત્ર નિર્માણ સંસ્થાનના સંયુક્ત ઉપક્રમે “દિવ્યાંગજન સશક્તિકરણ અર્થે ગુજરાત લોક સંવાદ” અંતર્ગત મતદાતા જાગૃતિ કાર્યક્રમ ખાતે યોજવામાં આવ્યો હતો.

આ તકે પી.ડબ્લયુ.ડી ના નોડલ અધિકારીશ્રી ઈલાબેન ચૌહાણે જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લાના ૧૪ હજારથી વધુ મતદારો પોતાના મતધિકારનો ઉપયોગ કરે તે માટે ચૂંટણી પંચ દ્વારા અનેક સુવીધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. ચૂંટણી પંચ દ્વારા દિવ્યાંગો માટે હોમ વોટીંગ, પીકઅપ અને ડ્રોપ ફેસેલીટી, વ્હીલ ચેર સહીતની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે છે. દિવ્યાંગ મતદાતાઓની સહાયતા માટે તમામ બુથના અધિકારી અને કર્મચારીઓને તાલીમ આપવામાં આવી છે.

આઈ.એફ.એસ અને સી.એમ.ડી. ન્યુ દિલ્હીના શ્રી નવીન શાહ, ભારતીય ચરિત્ર નિર્માણ સંસ્થાના પ્રમુખ શ્રી રામકૃષ્ણ ગોસ્વામી, જનરલ મેનેજરશ્રી અનિલ કુમાર અને શ્રી જે.એમ.પનારા, કો-ઓર્ડીનેટરશ્રી રવિશંકરજી સહિતના લોકોએ ઉપસ્થિત દિવ્યાંગ જનોને તથા તેમના વાલીશ્રીઓને મતદાન કરવા માટે જણાવ્યું હતું.

છ.શા.વિરાણી મુંગા બહેરાની શાળાના શિક્ષીકા શ્રી રાગીશાબેન દવેએ દિવ્યાંગજનોને સાઈન લેંગવેજ વડે મતદાનનું મહત્વ અને મતદાન કરવા સમજાવ્યું હતું, જેને તમામ ઉપસ્થિતોએ ખુબ જ રસપૂર્વક નિહાળ્યું હતું.
ઉપસ્થિતોનું શાબ્દિક સ્વાગત શ્રી પ્રકાશભાઈ મંકોડીએ કર્યું હતું તથા આભારવીધી શ્રી એમ. એમ. રાઠોડે કરી હતી. આ પ્રસંગે સંસ્થાના ટ્રસ્ટીશ્રી ભાવનાબેન જોષીપુરા અને દિનાબેન મોદી, પ્રયાસ સંસ્થાના શ્રી પુજાબેન પટેલ, સમાજ સુરક્ષા ખાતાના ગૌતમ ધમસાણીયા, વિરાણી મુંગા બહેરાની શાળાના શિક્ષકો તથા વિદ્યાર્થીઓ તથા વી.ડી.પારેખ અંધ મહિલા વિકાસ ગૃહની મહીલાઓ ઉપસ્થિત રહયા હતા.








