કૃષિ ઈજનેરી અને ટેક્નોલોજી મહાવિદ્યાલય જૂનાગઢ કૃષિ યુનિવર્સીટી એ રાષ્ટ્રીય કક્ષાએ રેન્કિંગ પ્રાપ્ત કર્યો

GHRDC – CSR એન્જિનિયરિંગ કૉલેજ સર્વે ૨૦૨૪ના રાષ્ટ્રીય રેન્કિંગમાં કૃષિ ઈજનેરી અને ટેક્નોલોજી મહાવિદ્યાલય જૂનાગઢ કૃષિ યુનિવર્સીટી એ રાષ્ટ્રીય કક્ષાએ રેન્કિંગ પ્રાપ્ત કર્યો
જૂનાગઢ,તા. ૧ જુનાગઢ કૃષિ યુનિવર્સિટી માટે ગર્વની વાત છે કે, કૃષિ ઈજનેરી અને ટેક્નોલોજી મહાવિદ્યાલયએ ગ્લોબલ હ્યુમન રિસોર્સ ડેવલોપમેન્ટ સેન્ટર (GHRDC) અને કોમ્પિટિશન સક્સેસ રિવ્યૂ (CSR) ભારતની ટોચની એન્જિનિયરિંગ કોલેજોની રેન્કિંગ – ૨૦૨૪માં ભાગ લીધેલ હતો.
ગત વર્ષોની જેમ આ વર્ષે પણ કોલેજે સમગ્ર દેશમાં ઉત્કૃષ્ટ શ્રેષ્ઠતાની એન્જિનિયરિંગ કોલેજોની રેન્કિંગમાં રાષ્ટ્રીય સ્તરે એકંદરે ૨૨મું રેન્કિંગ મેળવ્યું છે (૬ઠ્ઠી શ્રેણીમાં પ્રથમ સ્થાન). કોલેજ ભારતના પશ્ચિમ ક્ષેત્રમાં પાચમાં ક્રમે અને ગુજરાત રાજ્યની તમામ એન્જિનિયરિંગ કૉલેજોમાં બીજા ક્રમે રહેલ છે. છેલ્લા ૧૩ વર્ષથી કોલેજે તેના રેન્કિંગમાં સતત સુધારો કર્યો છે. જે કોલેજ અને યુનિવર્સિટીની શૈક્ષણિક, સંશોધન અને વિસ્તરણ શક્તિને દર્શાવે છે. આ સર્વેમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ફેકલ્ટી રિસર્ચ, કન્સલ્ટન્સી, EDP, અન્ય પ્રોગ્રામ્સ, એડમિશન, અભ્યાસક્રમ, ડિલિવરી સિસ્ટમ્સ, પ્લેસમેન્ટ્સ, USP, સામાજિક જવાબદારી, નેટવર્કિંગ અને ઈન્ડસ્ટ્રી ઈન્ટરફેસના આધારે માર્ક્સ આપવામાં આવ્યા હતા.
કોલેજનું આ ઉત્કૃષ્ઠ પ્રદર્શન જુનાગઢ કૃષિ યુનિવર્સીટીના કુલપતિશ્રી,ડૉ.વી.પી. ચોવટીયા,યુનિવર્સિટી રજીસ્ટ્રારશ્રી અને પ્રિન્સિપાલ અને ડીનશ્રી,ડૉ.પી.એમ.ચૌહાણના સક્ષમ નેતૃત્વ હેઠળ તેમજ યુનિવર્સિટી અધિકારીશ્રીના માર્ગદર્શન અને સહકાર તેમજ કોલેજના અધ્યાપકો, સ્ટાફ વિદ્યાર્થીઓની ઘગસ અને સતત મહેનતને આભારી છે. કોલેજની આ સફળતાને યુનિવર્સિટીના તમામ અધિકારીશ્રી તેમજ કર્મચારીશ્રીઓએ બીરદાવી હતી.