GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: જસદણ-જેતપુર-જામકંડોરણામાં વોટ આપનારને મેડિકલ સ્ટોર, મોલ્સ, પેટ્રોલપમ્પ દ્વારા ડિસ્કાઉન્ટ

તા.૨૫/૪/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

લોકશાહીનું પર્વ, દેશનું ગર્વઃ મતદાનને પ્રોત્સાહન માટે વેપારીઓ તંત્રની ઝુંબેશમાં બન્યા સહભાગી

તરઘડીયામાં સ્વસહાય જૂથની બહેનોએ મહેંદી થકી આપ્યો અચૂક મતદાનનો સંદેશ

Rajkot: ચૂંટણીએ લોકશાહીનું પર્વ છે અને દેશનું ગર્વ છે. રાજકોટ સંસદીય મત વિસ્તારમાં મહત્તમ મતદાન થકી આ લોકશાહીનું પર્વ ઉજવાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રભવ જોશીના નિર્દેશ મુજબ, સઘન મતદાન જાગૃતિ ઝુંબેશ ચાલી રહી છે. હવે તેમાં જિલ્લા ચૂંટણી તંત્રની અપીલને અનુસરતા, મતદાન માટે નાગરિકોને પ્રોત્સાહિત કરવા વિવિધ મેડિકલ સ્ટોર, દુકાનદારો, મોલ્સ સંચાલકો, પેટ્રોલપમ્પ સંચાલકો પણ સહભાગી બની રહ્યા છે.

જે મુજબ, જસદણ વિધાનસભા મત વિસ્તારમાં છ મેડિકલ સ્ટોર સંચાલકો ચૂંટણી તંત્રની અપીલ સાથે નાગરિકોને મતદાન માટે પ્રેરિત કરવા સામે આવ્યા છે. તેમણે ૭મી મેએ મતદાન કરીને આંગળીમાં મતનું ટપકું બતાવે તેમને દવા પર સાત ટકા ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત કરી છે. તો અહીંની બે હોટેલ-રેસ્ટોરાંએ પણ મતદાન કરનારા નાગરિકો માટે લંચ તથા ડિનર પર સાત ટકા ડિસ્કાઉન્ટની જાહેરાત કરી છે.

જેતપુર વિધાનસભા મત વિસ્તારમાં કોલેજ સામેના પેટ્રોલ પમ્પે મતદાન કરનારા નાગરિકોને મતદાનના દિવસે પેટ્રોલ-ડિઝલ પર રૂપિયા ૧નું ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત કરી છે. જ્યારે અહીંના એક મોલે મતદારોને એક-એક બોલપેન આપવાની જાહેરાત કરી છે.

આ ઉપરાંત જામકંડોરણા શહેર તાલુકામાં સાત પેટ્રોલ પમ્પ સંચાલકો તરફથી ઓઈલ પર સાત ટકા ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત કરાઈ છે. તો તાલુકાના છ મેડિકલ સ્ટોરે મતદાન કરનારા નાગરિકોને દવાના બિલમાં સાત ટકા ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત કરી છે.

બીજી તરફ તરઘડીયા ગામના સ્વ સહાય જૂથના બહેનો અનોખી રીતે મતદાન જાગૃતિ અભિયાનમાં જોડાઈ હતી. લોકસભા ચૂંટણીમાં મહત્તમ મતદાન થાય તે હેતુથી આ બહેનોએ હાથમાં મહેંદી કરીને નાગરિકોને અચૂક મતદાનનો સંદેશો આપ્યો હતો. આ સાથે પોતાનાં મતાધિકાર ઉપયોગ કરવાના શપથ ગ્રહણ કર્યા હતા.

આ ઉપરાંત ૬૯-રાજકોટ પશ્ચિમ વિધાનસભા મત વિસ્તારમાં એક શાળાએ મતાધિકારનો ઉપયોગ કરવાનો સંદેશો આપતી રંગોળી કરીને મતદાન માટેની પ્રેરણા આપી હતી.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button