Rajkot: રાજકોટ લોકસભા બેઠકના ઓછા મતદાનવાળા વિસ્તારોમાં વોટિંગ વધારવા વિશેષ ઝુંબેશ શરૂ
તા.૨૪/૪/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
૬ મે સુધી ડિજિટલી તેમજ ગ્રાઉન્ડ પર વિવિધ મુદ્દાઓ આધારિત ઝુંબેશનું આયોજન
Rajkot: રાજકોટ લોકસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે ઓછા મતદાનવાળા વિસ્તારોમાં લોકોને મતદાન માટે પ્રેરિત કરવા કેન્દ્રીય ચૂંટણી પંચ તથા રાજ્ય ચૂંટણી પંચના નિર્દેશ મુજબ, જિલ્લા ચૂંટણી તંત્રએ વિશેષ ઝુંબેશ શરૂ કરી છે. ટી.આઈ.પી. (ટર્નઆઉટ ઈમ્પ્લિમેન્ટેશન પ્લાન) અંતર્ગત, જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રભવ જોશીની સૂચના મુજબ, રાજકોટ સંસદીય મત વિસ્તારમાં આવતા દસ વિધાનસભા મત વિસ્તારોમાં મતદારોને જાગૃત કરવા ડિજિટલથી લઈને ગ્રાઉન્ડ પરની વિવિધ પ્રવૃત્તિઓનું સઘન આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે દસેય વિધાનસભા મત વિસ્તારમાં આ પ્રવૃત્તિઓનું સઘન અમલીકરણ થાય તે માટે સંલગ્ન તમામ પ્રાંત અધિકારીશ્રી-નાયબ કલેક્ટરશ્રીઓને સૂચના આપવામાં આવી છે.
રાજ્ય ચૂંટણી પંચના નિર્દેશ પ્રમાણે જિલ્લા ચૂંટણી તંત્રએ કરેલા આયોજન મુજબ, ૨૩મી એપ્રિલે વિવિધ દુકાનો, રેસ્ટોરાં, હોટેલ્સ, મેડિકલ સ્ટોર્સ, થિયેટર વગેરે સાથે મિટિંગ યોજીને, મતદાન કરે તે નાગરિકોને સાત ટકા જેટલું ડિસ્કાઉન્ટ ઓફર આપવા અંગે મિટિંગનું આયોજન કરાયું છે. આ સાથે મતદાનના દિવસે સ્ટાફને પેઈડ રજા આપવા પણ સૂચના અપાશે.
૨૪મી એપ્રિલે સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર્સ સાથે મિટિંગ યોજીને, ડિજિટલી મતદાન જાગૃતિ ઝુંબેશ માટે સહયોગ લેવાશે.
૨૫મી એપ્રિલે કેમ્પસ એમ્બેસેડર્સ સાથે લાઈવ સેશન યોજાશે. ૨૬મીએ મતદારોને સાંકળીને વિવિધ પ્રવૃત્તિઓ યોજાશે. ૨૭મીએ લોકો એકઠા થતા હોય તેવા સ્થળો જેમ કે, મોલ, ફૂડ પોઈન્ટસ, મેદાન, બગીચા વગેરેએ ફ્લેશ મોબ યોજાશે.
૨૮મીએ એપ્રિલે ચુનાવ પાઠશાલા અંતર્ગત સ્વચ્છ બૂથ કેમ્પેઈન તથા “તમારા મતદાન મથકને જાણો” (know your polling station) ઝુંબેશ થશે. ૨૯મી તથા ૩૦મી એપ્રિલે જિલ્લા તંત્ર દ્વારા મતદારોને સાંકળીને વિવિધ પ્રવૃત્તિઓ યોજાશે.
૧લીમેના રોજ આંગણવાડી અને આશાવર્કર બહેનોને સાથે રાખીને મોટાપાયે મહેંદીનો કાર્યક્રમ યોજાશે. ૨ મેના રોજ જિલ્લા તંત્ર દ્વારા મતદારોને સાંકળીને વિવિધ પ્રવૃત્તિઓ યોજાશે. ૩મેના રોજ મહત્વના મોલ્સ, જાહેર માર્ગો પર વિશાળ રંગોળી કરીને લોકોને મતદાન માટે પ્રેરિત કરવામાં આવશે. ૪ મેના રોજ વિવિધ મોલ્સ તેમજ જાહેરસ્થળોએ ફ્લેશ મોબ યોજાશે. પાંચમી મેના રોજ રન ફોર વોટ અંતર્ગત શહેરમાં વિશેષ દોડનું આયોજન કરાશે.
૬ મેના રોજ જિલ્લા ચૂંટણી અધિકારી, શહેર પોલીસ કમિશનર કે જિલ્લા પોલીસ વડા, જિલ્લા વિકાસ અધિકારી, નાયબ મ્યુનિસિપલ કમિશનર દ્વારા સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજાશે. જેમાં ચૂંટણીની તૈયારીઓની માહિતી સાથે અચૂક મતદાનની અપીલ કરાશે.








