Rajkot: કોટડાસાંગાણી તાલુકામાં ભૂકંપના આંચકા અંગે વહીવટીતંત્ર દ્વારા તપાસ: જાનમાલની કોઈ નુકસાની નહીં

તા.૧૪/૪/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
ગાંધીનગર ઇન્સ્ટિટયૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચની ટીમ સોમવારે મુલાકાત લેશે
રાજકોટ જિલ્લાના કોટડાસાંગાણી તાલુકાના પડવલા, શાપર, વેરાવળ ગામોમાં ગત સપ્તાહે આવેલા ભૂકંપના આંચકા અંગે જિલ્લા વહીવટી તંત્રની ટીમ દ્વારા કરાયેલી તપાસમાં જાનમાલની કોઈ નુકસાની સામે આવી નથી.

રાજકોટ જિલ્લાના કોટડાસાંગાણી તાલુકાના પડવલા, શાપર, વેરાવળ ગામોમાં ગત અઠવાડિયામાં અવારનવાર ભુકંપનાં આંચકા અનુભવવામાં આવ્યા હતા. આ બાબતે જિલ્લા કલેકટર શ્રી પ્રભવ જોશીની સુચના મુજબ આજરોજ ડિઝાસ્ટર મામલતદારશ્રી દ્વારા પારડી ગ્રામ પંચાયત, પડવલા ગ્રામ પંચાયત અને વેરાવળ ગ્રામ પંચાયત ખાતે કોટડા સાંગાણી મામલતદારશ્રી તથા સ્થાનિક આગેવાનો તથા તલાટી કમ મંત્રીની સાથે રૂબરૂ મુલાકાત કરવામાં આવી હતી. આ સાથે ટીમ દ્વારા ભૂકંપના આંચકા અંગે વિગતવાર જાણકારી મેળવવામાં આવી હતી.
આ અધિકારીઓની ટીમ દ્વારા થયેલી તપાસના તારણ મુજબ, આ ભૂકંપના આંચકામાં કોઈ પણ જાતની જાનમાલની નુકશાની થયેલ નથી. ઉપરાંત આ બાબતની જાણ ગાંધીનગર ખાતે ડાયરેક્ટર જનરલ, ઇન્સ્ટિટયૂટ ઓફ સિસ્મોલોજીકલ રીસર્ચને પણ કરવામાં આવી છે અને તેમના દ્વારા સોમવારના રોજ એક ટેકનિકલ ટીમ દ્વારા વિઝીટ કરવામાં આવશે, તેમ જિલ્લા વહીવટી તંત્રની યાદીમાં જણાવાયું છે.








