
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ 
ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાનાં એક ગામમાં પતિનો અન્ય સ્ત્રી સાથે આડો સંબંધ હોવાથી અવારનવાર પતિ પત્ની વચ્ચે ઝઘડો થતો હતો.જેમાં પતિએ ગુસ્સામાં પત્નીને ઘરની બહાર કાઢી મુકતા 181 અભયમ ટીમ મદદે પહોંચી હતી અને ઘર સંસાર તૂટતા બચાવ્યો હતો.આહવા તાલુકાનાં એક ગામમાં પતિનો અન્ય સ્ત્રી સાથે સંબંધ હોવાથી પતિ પત્ની વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા.તેમજ પતિ પત્નીનાં લગ્ન જીવનમાં તેમને ત્રણ બાળકો પણ છે. ત્યારે પત્ની બાળકોને રમાડી રહી હતી. અને તે વેળાએ ઘરનું કામ કરવામાં મોડું થઈ જતા પતિએ પત્નીને ઘરમાંથી કાઢી મૂકી હતી.જે બાદ પીડિત મહિલાએ 181 મહિલા હેલ્પલાઇન નંબર પર કોલ કર્યો હતો અને પોતાની આપ વીતી જણાવી હતી.ત્યારે 181 અભયમ ટીમના નેહા મકવાણા તેમજ તેમની ટીમ તાત્કાલિક ધોરણે સ્થળ પર પહોંચી ગઈ હતી.અને 181 ટીમ દ્વારા પતિ પત્નીનું કાઉન્સિલીંગ કરવામાં આવ્યુ હતુ.અહી પતિને તેની જવાબદારીનું ભાન કરાવવામાં આવ્યુ હતુ અને કાયદાકીય સમજ આપવામાં આવી હતી.તેમજ પરિવારના સંબંધોથી વાકેફ કરાવવામાં આવ્યા હતા.જે બાદ મહિલાના પતિએ ભૂલ કબુલ કરી હતી અને ફરીવાર આવી ભૂલ ન થાય તેની ખાતરી પણ આપી હતી.આમ 181 અભય મહિલા ટીમ દ્વારા એક ઘરસંસારને તૂટતા બચાવવામાં આવ્યો હતો અને પતિ પત્નીનું સમાધાન કરાવવામાં આવ્યુ હતુ.ત્યારે અહી પત્નીએ 181 મહિલા અભયમ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો..





