
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ જિલ્લાનાં વઘઈ ખાતે આવેલ એપીએમસીમાં ગેરરીતિ આચરવામાં આવેલ હોવાના આક્ષેપો સાથે બે આર.ટી.આઈ એક્ટિવિસ્ટોએ રાજ્યપાલને ફરિયાદ કરી.
વઘઈ ખાતે આવેલ એપીએમસી માર્કેટ ખાતે શિક્ષિત બેરોજગારોને જે દુકાનો આપવાની હોય છે તે દુકાનો ચેરમેન દ્વારા ઘર કુટુંબીઓને આપી નાણા કમાવવામાં આવી રહ્યા છે.અને ગેરરીતિ આચરવામાં આવી રહી છે. તેવા આક્ષેપો સાથે આરટીઆઇ એક્ટીવીસ્ટ દ્વારા રાજ્યપાલને સંબોધતું આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ હતુ.ડાંગ જિલ્લાનાં આરટીઆઈ એક્ટિવિસ્ટ જમનાદાસ જીવલભાઈ વાઢુ (વાડેકર) અને મોતીલાલ સોમાભાઈ ચૌધરી દ્વારા માહિતી અધિકાર અધિનિયમ 2005 હેઠળ ડાંગ જિલ્લાનાં વઘઈ એપીએમસીને લગતી કેટલીક માહિતી માંગવામાં આવી હતી.જે માહિતીની તપાસ આરટીઆઇ એક્ટીવીસ્ટ દ્વારા કરવામાં આવતા કેટલીક ગેરરીતિ આચરવામાં આવેલ હોવાનું સામે આવ્યુ હતુ.અહી ઉચાપદનાં ધોરણે જે રીતે ચેરમેન કે કમીટી સાથે રહીને શિક્ષિત બેરોજગારને જે દુકાનો આપવાની હોય છે તે દુકાનો ઘર ઘરાવ રાખી લેવામાં આવેલ છે.તેમજ તે દુકાનો ભાડે આપીને નાણા કમાવામાં આવી રહ્યા છે.અને પોતાનો આર્થિક સ્વાર્થ સંતોષવામાં આવી રહ્યો છે.તેમજ ડિપોઝિટ વિનાની દુકાનો રાખીને એપીએમસી ને ચૂનો ચોપડીને ડબલ ભાડે નાણા વસૂલવામાં આવી રહ્યા છે.ત્યારે અહી મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર આચરીને સરકારની તિજોરી ને ચૂનો ચોપડવામાં આવી રહ્યો હોય તેવું જોવા મળી રહ્યું છે.આ બાબતે આરટીઆઇ એક્ટિવિસ્ટ દ્વારા તકેદારી આયોગ ગાંધીનગર, નિયામક ખેત બજાર ગ્રામ્ય અર્થતંત્ર તથા સ્થાનિક કલેકટર અને નાયબ નિયામક વ મદદનીશ જિલ્લા રજીસ્ટરને પણ લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી.પરંતુ આજ દિન સુધી આ મામલે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવેલ નથી.ત્યારે આ મામલે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને નુકસાનની ભરપાઈ કરાવવામાં આવે તેવી માંગ સાથે બન્ને આરટીઆઇ એક્ટિવિસ્ટો દ્વારા રાજ્યપાલને સંબોધતું આવેદનપત્ર પાઠવી યોગ્ય પગલા ભરવાની માંગ કરી છે.ત્યારે આ બાબતે આવનાર દિવસોમાં કેવા પગલા ભરાશે તે સમય જ બતાવશે..





