
તા.૮/૪/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
મતાધિકાર અંગે જાગૃતિ સાથે મહિલાઓએ લીધા અચૂક મતદાનના શપથ
Rajkot: ચૂંટણી એ લોકશાહીનું પર્વ અને દેશનું ગર્વ છે. લોકસભાની ચૂંટણીમાં વધુમાં વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને લોકશાહીની પ્રક્રિયામાં ભાગીદાર બને તે માટે, રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રભવ જોશીના નેતૃત્વમાં જિલ્લાના વિવિધ વિસ્તારોમાં સ્વીપ (સિસ્ટેમેટિક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઈલેક્ટોરલ પાર્ટિસિપેશન) હેઠળ મતદાન જાગૃતિના પ્રયાસો ચાલી રહ્યા છે. આ સાથે ગત ચૂંટણીમાં ઓછું મતદાન થયું હતું તેવા લો વોટર ટર્નઆઉટ વાળા વિસ્તારોમાં મતદાન વધારવા માટે વિશેષ ઝુંબેશ ચલાવાઈ રહી છે.

રાજકોટ જિલ્લાના ૭૧-વિધાનસભા મત વિસ્તાર રાજકોટ ગ્રામ્યમાં આવતા લોધીકા તાલુકાના સાંગણવા ગામમાં ગત વિધાનસભાની ચૂંટણીમાં પુરુષ મતદારો કરતાં મહિલા મતદારોનું મતદાન ૧૮ ટકા ઓછું રહ્યું હતું. આથી મહિલા મતદારોને જાગૃત કરવા તેમજ તેઓ મતાધિકારનો ઉપયોગ કરીને લોકશાહીની પ્રક્રિયામાં સહભાગી બને તે માટે લોધિકા મામલતદારશ્રીના અધ્યક્ષ સ્થાને ખાસ જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં મહિલા મતદારોને વધુમાં વધુ મતદાન કરવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સાથે અચૂક મતદાનના શપથ પણ લેવામાં આવ્યા હતા.









