
તા.૭/૪/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત ભારતના ચૂંટણી પંચની સૂચનાનુસાર રાજકોટ જિલ્લામાં વિવિધ સંસ્થાઓ ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ, ઇવીએમ નિદર્શન, સિગ્નેચર કેમ્પેઇન, પ્રતિજ્ઞા વાંચન જેવા કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. ત્યારે સ્વીપ કાર્યક્રમના નોડલ અધિકારી અને અધિક કલેકટરશ્રી જિજ્ઞાસાબેન ગઢવીના માર્ગદર્શન હેઠળ રાજકોટ જિલ્લામાં વિવિધ સંસ્થાઓ ખાતે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે.
આ ઉપક્રમે વિંછીયા તાલુકાના છાસીયા ગામની તાલુકા શાળામાં મતદાતા જાગૃતિ અર્થે ચૂનાવી પાઠશાળા અન્વયે કાર્યક્રમ યોજી લોકોને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા તથા મહિલાઓને મતદાન કરવા વિશેષ અપીલ કરવામાં આવી હતી. સાથોસાથ મતદાન કરવા માટેની પ્રતિજ્ઞા પણ લેવડાવવામાં આવી હતી. ઉપરાંત, ભાવિ મતદારોને પણ મતદાનની આવશ્યકતા સમજાવવામાં આવી હતી. અને વિદ્યાર્થીઓએ ભવિષ્યમાં પોતે પણ મતદાન કરશે તેવા શપથ ગ્રહણ કર્યા હતા. આમ, ગામલોકો વધુમાં વધુ મતદાન કરે તે માટે “સ્વીપ પ્રવૃતિ” અંતર્ગત મતદાન જાગૃતિ માટે વિવિધ પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે. જેમાં યુવાપેઢી મતદાન જાગૃતિ માટે પોતાનો સિંહફાળો આપી રહી છે.