
તા.૭/૪/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: લોકશાહીના અવસર એવી લોકસભાની ચૂંટણીને દીપાવવા રાજકોટ જિલ્લા ચૂંટણી તંત્ર સતત પ્રયત્નશીલ છે. ત્યારે સ્વીપ નોડલ ઓફિસરશ્રી જિજ્ઞાસાબેન ગઢવીના માર્ગદર્શન મુજબ ૧૦ – રાજકોટ સંસદીય મત વિસ્તારમાં જનતાને ચૂંટણી અંગે માહિતગાર કરી, નૈતિક રીતે પોતાનો મત આપવા માટે જાગૃત કરવામાં આવી રહ્યાં છે.

જેના ભાગરૂપે પડધરી તાલુકાના રંગપર ગામ તથા નાના ખીજડીયા ગામના બૂથ લેવલ ઓફિસર્સ દ્વારા તેઓના ભાગની મુલાકાત લઇને મતદારોને મતદાન પ્રક્રિયાની જાણકારી આપવામાં આવી હતી. તેમજ ચૂંટણીલક્ષી માહિતી આપતી પત્રિકાઓનું વિતરણ કરીને ઘરે-ઘરે અચૂક મતદાન કરવાનો સંદેશો પહોંચાડવામાં આવ્યો હતો.

આ ઉપરાંત, લોધીકા તાલુકાના નાંધુ પીપળીયા ગામ ખાતે મામલતદારના અધ્યક્ષસ્થાને મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ ગામમાં પુરુષો કરતા સ્ત્રીઓનું ૧૮% ઓછું મતદાન હોવાથી ખાસ કરીને મહિલાઓને મતદાનનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. મતદાનમાં સ્ત્રીઓની ભાગીદારી વધારવા માટે મહિલા મતદારોને મતદાન અવશ્ય કરવાની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી.









