
જૂનાગઢ,તા.૬ વંથલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં મહિલા મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મહિલાઓ ઉત્સાહભેર સહભાગી બની હતી.
જૂનાગઢ જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણી અન્વયે આગામી તારીખ ૭ મે ના રોજ મતદાન યોજનાર છે. લોકશાહીના મહાપર્વમાં કોઈપણ વ્યક્તિ મતદાનની પવિત્ર ફરજ અદા કરવાથી વંચિત ન રહી જાય એ માટે જૂનાગઢ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી અનિલ રાણાવસિયાના ના માર્ગદર્શન હેઠળ મતદાન જાગૃતિ માટે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે.
સ્વીપ નોડલ ઓફિસર જિલ્લા શિક્ષણઅધિકારી શ્રી લતાબેન ઉપાધ્યાયની રાહબરી હેઠળ વંથલી તાલુકામાં મહિલા મતદાન જાગૃતિ માટે ખાસ કાર્યક્રમનું આયોજન યોજવામાં આવ્યું હતું. જેમાં વંથલી તાલુકાના શાપુર, ટીકરપાદરડી, રવની, મહોબતપુર, ભાટીયા, થાણાપીપળી, વંથલી, આખા, બુથ પર મહિલા મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
ખાસ કરીને વંથલી તાલુકામાં પુરુષ મતદારોની સરખામણીમાં મહિલા મતદારોની ટકાવારીનું પ્રમાણ ખૂબ જ ઓછું જણાયેલ છે. જે માટે મહિલા મતદાન અંગે જાગૃતિ આવે એ હેતુથી બહેનોને મતદાનની સમજ, તેનું મહત્વ અને મતદાન કરવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા.










