ઐતિહાસિક બહાઉદ્દીન કોલેજની મહિલા પ્રાધ્યાપિકાઓનો ‘મત’ વિશે ‘મત’
લોકશાહીના મહાપર્વમાં તા. ૭મી મે અચૂક મતદાન કરવા માટે મહિલા પ્રોફેસરોની અપીલ

લોકશાહીનું મહાપર્વ મહિલાઓના મતદાનથી વધુ શોભનીય અને રૂડું બને છે
સ્ત્રીઓના સામાજિક દરજ્જાને ઉંચો લઈ જવા માટે મહિલાઓનું મતદાન જરૂરી
જૂનાગઢ તા.૫ ‘મતદાતા’ લોકશાહીનો પ્રાણ છે અને લોકશાહી શાસન વ્યવસ્થામાં નાગરિકો કેન્દ્રમાં હોય છે, ત્યારે નાગરિકોને બંધારણદત્ત મળેલ મત અધિકારનો લોકો અચૂક ઉપયોગ કરે ખાસ કરીને મહિલાઓ મતાધિકારના ઉપયોગમાં ઢીલાશ ન રાખે તે જૂનાગઢની ઐતિહાસિક બહાઉદ્દીન કોલેજની મહિલા પ્રધ્યાપકોઓએ વિશેષ અપીલ કરી છે.
બહાઉદ્દીન વિનયન કોલેજમાં મનોવિજ્ઞાન વિષયના પ્રોફેસર ડો. ભાવનાબેન ઠુંમર જણાવે છે કે, સ્ત્રીની ઉપસ્થિત વગર કોઈ પર્વ કે, પ્રસંગ અધુરો ગણાય. તે રીતે મહિલાઓના મતદાન વગર લોકશાહીનું મહાપર્વ અધૂરું ગણાય. મહિલાઓના મતદાનથી આ લોકશાહીનું આ મહાપર્વ વધુ શોભનીય અને રૂડું બને છે. મત આપવાનો જેટલો અધિકાર પુરુષોને છે તેટલો જ અધિકાર સ્ત્રીને પણ છે. ત્યારે હકારાત્મક અભિગમ સાથે અચૂક મતદાન થકી યોગ્ય જન પ્રતિનિધિ ચુંટવો જોઈએ.
હું એક મત નહીં આપુ તો શું ફેર પડશે ? તેવો અભિગમ ત્યજી, ઉત્સાહ સાથે મતદાન કરવું જોઈએ. એક-એક મત કિંમતી હોય છે. ત્યારે મહિલાઓ પણ લોકશાહીના આ મહાપર્વમાં શા માટે પાછળ રહે? તેમ જણાવતા અચૂક મતદાન કરવા માટે અનુરોધ કર્યો હતો.
અર્થશાસ્ત્ર વિષયના પ્રોફેસર દિનાબેન લાઠીયા જણાવે છે કે, લોકશાહીની એક આગવી વિશેષતા છે કે, દરેક નાગરિકને પોતાના નેતાની પસંદગી કરવાનો અધિકાર છે. તેઓ કહે છે કે મતાધિકાર કોઈ સક્ષમ અધિકારી, પુરુષ પુરતો મર્યાદિત નથી. સ્ત્રી, દિવ્યાંગ, વૃદ્ધો સહિતનાઓને સમાન રીતે મળેલ છે. ત્યારે સહર્ષ મતદાન કરી લોકશાહીના પર્વમાં સહભાગી બનવું જોઈએ.
તેમણે કહ્યું કે, સ્ત્રીઓના સામાજિક દરજ્જાને ઉંચો લઈ જવા માટે મહિલાઓનું મતદાન એ મહત્વનું પાસું છે. પુરુષોની સરખામણીમાં મહિલાઓનું મતદાનની ટકાવારી ઓછી હોય છે ત્યારે મહિલાઓ જેમ પોતાના ઘરની જવાબદારીને પ્રાથમિકતા આપે છે. તે રીતે મતદાનને પણ પ્રાથમિકતા આપવી જોઈએ. તેમ જણાવતા ડો. દિનાબેન લાઠીયા કહ્યું કે, અવારનવાર આપણા પ્રશ્નો રજુ કરતા હોય છે, ત્યારે તેને વાચા આપવા માટે પણ મત જરૂરી છે. આ સાથે તેમણે કરબદ્ધ રીતે બહેનોને તા. ૭મી – મે અચૂક મતદાન કરવા માટે અપીલ કરી હતી.










