
તા.૩૦/૩/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
કારખાના-ફેક્ટરીઓમાં કામ કરતા કામદારોમાં મતદાન અંગે જાગૃતિ લાવવા વિશેષ ઝુંબેશ
Rajkot: હાલ લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે, ત્યારે રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રભવ જોશીના નેતૃત્વમાં જિલ્લાના વિવિધ વિસ્તારોમાં સ્વીપ (સિસ્ટેમેટિક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઈલેક્ટોરલ પાર્ટિસિપેશન) હેઠળ મતદાન જાગૃતિના પ્રયાસો ચાલી રહ્યા છે. જેમાં ઔદ્યોગિક વિસ્તારમાં કારખાના-ફેક્ટરીઓમાં કામ કરતા કામદારો અચૂક મતદાન કરે તે માટે વિશેષ જાગૃતિ ઝુંબેશ ચાલી રહી છે.


૭૧-રાજકોટ ગ્રામ્ય (અ.જા.) વિધાનસભા મત વિસ્તારના રાજકોટ તાલુકાના લોઠડા ગામ પાસે આવેલા વડાલિયા ફુડ્સ ખાતે સ્વીપ પ્રવૃત્તિ અંતર્ગત ગતરોજ મતદાર જાગૃતિ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં ઉપસ્થિત કારીગરો તેમજ સ્ટાફને આગામી લોકસભા સામાન્ય ચૂંટણી તેમજ મતાધિકારના મહત્વ અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. આ સાથે સૌ કોઈએ મતદાન કરવા માટે પ્રતિજ્ઞા લીધી હતી. એટલું જ નહીં, યુનિટના સ્ટાફ અને કામદારોએ અહીં મુકાયેલા સેલ્ફી પોઇન્ટમાં સેલ્ફી લઈને પોતે અચૂક મતદાન કરવા તથા અન્યોને પણ મતદાન માટે પ્રેરિત કરવા માટેનો ઉત્સાહ દર્શાવ્યો હતો.


આ ઉપરાંત લોઠડામાં સુપર એન્જિ-ટેક પ્રાઇવેટ લિમિટેડ ખાતે પણ ગતરોજ મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં સૌને લોકશાહીમાં ચૂંટણીનું મહત્વ સમજાવાયું હતું. તેમજ મતાધિકારના ઉપયોગ માટે ચૂંટણીમાં અપાતી સવેતન રજા અંગે પણ માહિતી અપાઈ હતી. આ તકે સૌએ અચૂક મતદાન કરવાના સંકલ્પ લીધા હતા. આ કાર્યક્રમમાં મહિલાઓ પણ નોંધપાત્ર સંખ્યામાં જોડાઈ હતી.








