
તા.૨૧/૩/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
Rajkot, Jasdan: આગામી લોકસભાની ચૂંટણીના મુહૂર્ત જયારે નીકળી ચુક્યા છે, ત્યારે ચૂંટણી તંત્ર આ લોકશાહીના ઉત્સવમાં ઉત્સાહપૂર્વક જનજનને જોડી લોકશાહી મજબૂત બને તે માટે અનેકવિધ જનજાગૃતિના પગલાંઓ લઈ રહ્યું છે.
સ્વીપ કાર્યક્રમ અંતર્ગત જસદણ નગરપાલિકા વિસ્તારમાં મતદાતાઓને મતદાન માટે પ્રેરણા પુરી પાડવા ગાર્બેજ કલેક્શન વાનનો વિશિષ્ટ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. વાનમાં રહેલ ઓડિયો સિસ્ટમ દ્વારા મતદાન જાગૃતિનો સંદેશ ઘરે ઘરે પહોંચાડાઈ રહ્યો છે.

મતદાન માટે અપીલ કરતા આ ઓડિયો ક્લિપમાં મતદાન પવિત્ર ફરજ હોઈ અને ચૂંટણી એ લોકશાહીનો પ્રાણ હોઈ તેમાં તમામ મતદાર જોડાઈ અન્ય લોકોને પણ મત આપી લોકશાહીની જવાબદારી નિભાવે તેવી અપીલ કરવામાં આવી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, “SVEEP” એટલે કે Systematic Voter’s Education and Electoral Participation એ ભારતના ચૂંટણી પંચનો દેશમાં મતદાર શિક્ષણ, મતદાર જાગૃતિ ફેલાવવા અને મતદાર સાક્ષરતાને પ્રોત્સાહન આપવા માટેનો મુખ્ય કાર્યક્રમ છે. લોકશાહીમાં નાગરિકોની સાર્વત્રિક અને પ્રબુદ્ધ ભાગીદારી માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા સ્વીપ કાર્યક્રમ થકી દરેક નાગરિકને મતદાર તરીકે નોંધણી કરાવવા અને ચૂંટણી અંગે માહિતગાર કરી, નૈતિક રીતે પોતાનો મત આપવા માટે જાગૃત, સક્ષમ અને સશક્ત કરવામાં આવે છે.








