
તા.૨૧/૩/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રભવ જોશીની ઉપસ્થિતિમાં પ્રથમ સ્ટાફ રેન્ડમાઈઝેશન કરાયું
Rajkot: રાજકોટ લોકસભા બેઠક પર મુક્ત અને ન્યાયી ચૂંટણી યોજવા માટે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રભવ જોશીના નેતૃત્વમાં જિલ્લા ચૂંટણી તંત્ર એક્શન મોડમાં છે. આજે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ચૂંટણી કામગીરી માટે સ્ટાફની પસંદગીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં પ્રથમ રેન્ડમાઈઝેશનમાં ૧૦,૫૩૬ સ્ટાફની ચૂંટણી ફરજ માટે પસંદગી કરવામાં આવી છે.

નિવાસી અધિક કલેક્ટર શ્રી ચેતન ગાંધી તથા જિલ્લાના અધિક ચૂંટણી અધિકારી શ્રી એન. કે. મુછારની ઉપસ્થિતિમાં રાજકોટ લોકસભાના વિવિધ વિસ્તારોમાં ચૂંટણી કામગીરી માટે કેટલા સ્ટાફની જરૂરિયાત છે, તેની સમીક્ષા કરવામાં આવી હતી.
આ તકે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રભવ જોશીના માર્ગદર્શન મુજબ ચૂંટણી કામગીરી માટે જે સ્ટાફના ઓર્ડર થયેલા છે, તેઓનું પ્રથમ રેન્ડમાઈઝેશન કરવામાં આવ્યું હતું. જેમાં આજે ૧૦,૫૩૬ સ્ટાફને વિવિધ હોદ્દાઓ ફાળવવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આગામી દિવસોમાં હજુ બે વાર સ્ટાફ રેન્ડમાઈઝેશનની પ્રક્રિયા હાથ ધરાશે. જેમાં બીજા રેન્ડમાઈઝેશનમાં સ્ટાફને વિસ્તારોની ફાળવણી અને ત્રીજા રેન્ડમાઈઝેશનમાં બૂથની ફાળવણી થતી હોય છે. આ બધી જ પ્રક્રિયા સોફ્ટવેર આધારિત હોય છે.








