ગિરનાર પર્વત સહિત ઈકો સેન્સિટીવ ઝોનમાં પ્લાસ્ટિક પ્રતિબંધની અમલવારીની નામદાર ગુજરાત હાઇકોર્ટે સરાહના કરી

રચનાત્મક અભિગમ સાથેની પ્લાસ્ટિક પ્રતિબંધની અમલવારીમાં કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસિયાની ભૂમિકાને પણ નામદાર હાઇકોર્ટે બિરદાવી
હાઈકોર્ટ સમક્ષ ગિરનાર અને ઇકો સેન્સેટિવ ઝોનને પ્લાસ્ટિક મુક્ત રાખવા માટેની બ્લુ પ્રિન્ટ રજૂ કરાઈ : નામદાર હાઇકોર્ટેની સાથો સાથ પીટીશનરશ્રીએ પણ વખાણી
જૂનાગઢ તા.૨૦ કલેકટર શ્રી અનિલ કુમાર રાણાવસિયાના માર્ગદર્શનમાં ગિરનાર પર્વત સહિત ઈકો સેન્સિટીવ ઝોનમાં પ્લાસ્ટિક પ્રતિબંધની અમલવારીની નામદાર ગુજરાત હાઇકોર્ટે સરાહના કરી છે.
ગિરનાર પર્વત પર પ્લાસ્ટિક જતું અટકાવવા માટે ફ્રીસ્કીંગની કામગીરી ઉપરાંત પ્લાસ્ટિકનો વપરાશ ન થાય તે માટે લીધેલા વ્યાપક જનજાગૃતિના પગલાઓને બિરદાવ્યા હતા. ખાસ કરીને સ્કૂલ કોલેજોમાં વિવિધ રચનાત્મક પ્રવૃત્તિઓ દ્વારા પ્લાસ્ટિકનો વપરાશ ન થાય અને પર્યાવરણ માટે હાનિકારક પ્લાસ્ટિકનો ઉપયોગ અટકે તેને કેન્દ્રમાં રાખીને રેલી, નિબંધ અને ચિત્ર સ્પર્ધા વગેરે સર્જનાત્મક કાર્યો દ્વારા પ્લાસ્ટિક નો વપરાશ ન થાય તે માટેનો સંદેશ આપવામાં આવ્યો હતો. ઉપરાંત તળેટી વિસ્તારમાં “પ્લાસ્ટિક ફ્રી ગિરનાર” થીમ પર આયોજિત વોલ પેઇન્ટિંગ સ્પર્ધાની નોંધ લીધી હતી. આ માટે નામદાર હાઇકોર્ટે કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસિયાની ભૂમિકાને પણ બિરદાવી હતી.
નામદાર હાઇકોર્ટ સમક્ષ ગિરનાર અને ઇકો સેન્સેટિવ ઝોનને પ્લાસ્ટિક મુક્ત રાખવા માટેની બ્લુ પ્રિન્ટ રજૂ કરવામાં આવી હતી. તેને નામદાર હાઇકોર્ટેની સાથો સાથ પીટીશનરશ્રીએ પણ વખાણી હતી.
ઉલ્લેખનીય છે કે, જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઇકો સિન્સેટીવ ઝોનમાં પ્લાસ્ટિકનો વપરાશ ન થાય તે માટે જન જાગૃતિની સાથે દંડનીય કાર્યવાહી પણ કરવામાં આવી હતી. વન વિભાગ દ્વારા રૂ.૧.૮૨ લાખ, જૂનાગઢ મહાનગર પાલિકા દ્વારા ૧.૧૩ લાખ અને ઇકો સેન્સેટિવ ઝોનના ગામડાઓમાં રૂ.૬૯૦૦ દંડ કરવામાં આવ્યો હતો. આ માટે મોબાઈલ એન્ટી પ્લાસ્ટિક ટીમ સતત કાર્યરત રહી હતી. મહાશિવરાત્રીના મેળા દરમિયાન પણ દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી. ઉપરાંત દુકાનો સીલ કરવા સુધીનાં પગલા લેવામાં આવ્યા હતા. ઉપરાંત ગિરનાર નવી, જૂની અને દાતાર સીડી ખાતે વધુ સફાઈ કામદાર રાખવામાં આવ્યા હતા. જેથી સ્વચ્છતાનું ઉચ્ચ માપદંડ જળવાઈ રહે. આ સાથે પ્લાસ્ટિક ગિરનાર પર ન જાય તે માટે સ્ક્રિંનીંગ પોઈન્ટ પણ ઉભા કરવામાં આવ્યાં છે.
ઇકો સિન્સેટીવ ઝોનમાં આવતા ગામોમાં પ્લાસ્ટિક પ્રતિબંધની અમલવારી માટે ગ્રામ પંચાયત દ્વારા પ્લાસ્ટિક પ્રતિબંધના બાયલોઝ પણ બનાવવામાં આવ્યા છે. ગાંમડાઓમાં પણ જનજાગૃતિ માટે રેલી, પેઈન્ટીંગ વગેરે રચનાત્મક પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી. ઉપરાંત સાધુ સંતો, કલાકારો અને અગ્રણીઓ દ્વારા ગિરનાર આવતા પ્રવાસી-યાત્રાળુઓને પ્લાસ્ટિક સાથે ન લાવવા તેમજ ગિરનારને સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત રાખવા અપીલ કરવામાં આવી હતી. જેની પણ સકારાત્મક અસર થઈ છે. આમ, પ્લાસ્ટિક વપરાશ ન થાય તે માટે જનજાગૃતિની પણ મહત્વની ભૂમિકા રહેલી છે.
ગિરનાર રોપવે ખાતે પ્રવાસીઓ કાપડની થેલીનો ઉપયોગ કરી શકે તે માટેનું વેડિંગ મશીન મૂકવામાં આવ્યું. ઉપરાંત નિવાસી અધિક કલેક્ટરશ્રીએ સ્થાનિક દુકાનદારો સાથે બેઠક યોજી, પ્લાસ્ટિક વપરાશ ન કરવા માટે સમજુત કરવામાં આવ્યા હતા.
કેન્દ્ર સરકારના ૨૦૧૨ના ગિરનાર ઇકો સેન્સિટીવ ઝોનના જાહેરનામાના અનુસંધાને ગીર ફાઉન્ડેશન દ્વારા ઝોનલ માસ્ટર પ્લાન પણ તૈયાર કરવામાં આવી રહ્યો છે.
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગિરનારના દર્શનાર્થે આવતા પ્રવાસીઓને પણ પ્લાસ્ટિક સાથે ન લાવવા અને ગિરનાર સ્વચ્છ અને સુંદર રાખવામાં સહભાગી બને તે માટે અપીલ કરવામાં આવી છે.
કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવસિયાના નેતૃત્વમાં પ્લાસ્ટિક પ્રતિબંધ અમલવારી માટે જિલ્લા વિકાસ અધિકારી શ્રી નીતિન સાંગવાન, કમિશનર શ્રી ઓમ પ્રકાશ, પોલીસ અધિક્ષક શ્રી હર્ષદ મહેતા, નાયબ વન સંરક્ષક શ્રી અક્ષય જોશી, પ્રાંત અધિકારી સહિતના અધિકારીઓ તેમજ તેમની સમગ્ર ટીમ સતત જહેમત ઉઠાવી રહી છે.