હાલોલ-વાઘોડીયા ખાતેથી કોલેજના વિદ્યાર્થીઓને લઈ આવતી કારને નડ્યો અકસ્માત,કોઈ જાનહાની નહી

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૧૯.૩.૨૦૨૪
હાલોલ વડોદરા હાઇવે પર હાલોલ બાસ્કા ની વચ્ચે વાઘોડિયા ખાતેથી કોલેજના વિદ્યાર્થીઓને લઈને હાલોલ તરફ આવતી ખાનગી કાર ને અકસ્માત થતાં હાઇવે પર લાંબો ટ્રાફિક જામ ના દ્રશ્યો જોવા મળ્યા હતા.જોકે સદનશીબે એક પણ વિદ્યાર્થીને ઇજા થયેલ ન હોવાનું જાણવા મળી રહ્યુ છે.પ્રાપ્ત માહિતી મુજબ વાઘોડિયા ખાતે આવેલ ખાનગી યુનિવર્સિટીમાં મેડિકલ તેમજ એન્જિનિયરિંગમાં હાલોલ ખાતે રહેતા વિદ્યાર્થીઓ ખાનગી કારમાં દરરોજ અપડાઉન કરતા હોય છે.જે અંતર્ગત આજે મંગળવારના રોજ વિદ્યાર્થીઓ વહેલી સવારે કોલેજ ગયા હતા. જ્યાંથી બપોરે પરત ફરતા હાલોલ નજીક ની હાલોલ બાસ્કા ની વચ્ચે પહોંચ્યા હતા તે દરમિયાન અકસ્માત સર્જાયો હતો.જ્યારે આ અંગે જાણવા મળતી માહિતી મુજબ વિદ્યાર્થીઓને લઈને આવતી ખાનગી કારને એક મહાકાય ટ્રાન્સપોર્ટ વ્હીકલ ની ટક્કર વાગી હોવાનું અકસ્માત સ્થળે એકઠા થયેલા લોક ટોળાઓ દ્વારા જણાવાયું રહ્યું હતું.અકસ્માત થતાં વિદ્યાર્થીઓ ભરેલી કાર પલટી ખાઈ આગળના ટાયરો માર્ગની મધ્યમાં આવેલા ડિવાઈડર ઉપર ચડી ડિવાઈડર ની અંદર ઘૂસી ગયા હતા. અકસ્માત ને પગલે તાત્કાલિક ૧૦૮, એમ્બ્યુલન્સ ને બોલાવવામાં આવી હતી.જોકે આટલા ભયંકર અકસ્માત બાદ પણ વિદ્યાર્થીઓ હેમખેમ બહાર નીકળતા અને એક પણ વિદ્યાર્થીને ઈજા ન પહોંચતા લોક ટોળાએ રાહતનો શ્વાસ લીધો હતો.જ્યારે બનાવના પગલે અકસ્માત સ્થળેથી વડોદરા તરફથી હાલોલ તરફ આવતો ટ્રાફિક જામ થઈ ગયો હતો. બનાવની જાણ ટોલ રોડ કંપનીને થતા ટોલ રોડ કંપનીના કર્મચારીઓ તાબડતોબ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.અને ડિવાઈડર પર ચઢી ગયેલી કારને ભારે જહેમત બાદ બહાર કાઢી મુખ્ય માર્ગને ખુલ્લો કરાવવામાં આવ્યો હતો.જો કે આ દરમિયાન અંદાજિત બે થી ત્રણ કિલોમીટર લાંબો ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા.










