તા.૧૫/૩/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: શહેરી વિસ્તારમાં અર્બન હોર્ટીકલ્ચર ડેવલોપમેન્ટને પ્રોત્સાહિત કરવા અને માળી કામનો સ્કીલ્ડ મેનપાવર તૈયાર કરવા તેમજ શહેરી યુવાનોમાં સ્વરોજગારીની તકો ઉભી થાય તેવા હેતુથી યુવાનોને શહેરી બાગાયત માટે માળી કામની કૌશલ્યવર્ધન માટેની તાલીમ આપવામાં આવે છે. રાજ્ય સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ હેઠળ બાગાયત ખાતા દ્વારા અર્બન ગ્રીન મિશન કાર્યક્રમ અંતર્ગત ત્રણ દિવસીય માળી તાલીમ આપવામાં આવે છે, જેમાં મહાનગર પાલિકા હસ્તકના બગીચા, બાગાયત ખાતાની નર્સરી કે અન્ય બગીચાઓમાં અપાતી પ્રેક્ટીકલ તાલીમનો પણ સમાવેશ થાય છે. તાલીમ વર્ગમાં ૩૦ થી ૫૦ તાલીમાર્થીઓને પ્રતિદિન ૮ કલાક તાલીમ આપવામાં આવે છે તેમજ નિયમાનુસાર સ્ટાઇપેન્ડ પણ ડી.બી.ટી. મારફત ચુકવવામાં આવે છે.
૧૮ થી ૪૫ વર્ષની ઉમરના તાલીમાર્થીઓ આ તાલીમ મેળવવા માટે જરૂરી ઓળખપત્રો સાથે https://ikhedut.gujarat.gov.in/ પર તા.૧૧/૦૫/૨૦૨૪ સુધીમાં અરજી કરી શકે છે. આ તાલીમ અંગે વધુ માહિતી માટે નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, જીલ્લા સેવા સદન-૩, બીજો માળ, બ્લોક નં.૩, સરકારી પ્રેસ રોડ, રાજકોટનો રૂબરૂ અથવા ૦૨૮૧-૨૪૪૫૫૧૭ પર સંપર્ક કરી શકાશે.








