
તા.૭/૩/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
૧૬ જેટલા સ્વ સહાય જૂથોની મહિલાઓને અંદાજે રૂ.૧૬.૩૦ લાખની સહાય ચૂકવાઈ
Rajkot, Upleta: “વિકસિત ભારત – વિકસિત ગુજરાત: નારીશક્તિ વંદના” કાર્યક્રમ ગુજરાતની દરેક વિધાનસભા બેઠક ઉપર યોજાયો હતો ત્યારે રાજકોટ જિલ્લામાં ધોરાજી – ઉપલેટા વિધાનસભા બેઠકનો કાર્યક્રમ વિવિધલક્ષી વિનય મંદિર ઉચ્ચતર માધ્યમિક શાળા ગ્રાઉન્ડ,ઉપલેટા ખાતે ધારાસભ્ય શ્રી ડો.મહેન્દ્રભાઈ પાડલીયાના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો હતો.

આ તકે કાર્યક્રમનાં અધ્યક્ષશ્રી ધારાસભ્ય શ્રી ડો.મહેન્દ્રભાઈ પાડલીયાએ પ્રસંગોચિત ઉદબોધન કરી મહિલાઓને આર્થિક વિકાસ અને આત્મનિર્ભરતા વિષે પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે આ કાર્યક્રમમાં ૧૬ જેટલા સ્વસહાય જૂથોને રૂ. ૧૬.૩૦ લાખની સહાય ચુકવવામાં આવી હતી, જેમાં ૧૧ જેટલા સ્વસહાય જૂથના બહેનોને રૂ.૧.૩૦ લાખ રીવોલ્વીંગ ફંડ, ૩ સ્વસહાય જૂથોને રૂ.૧૧ લાખની કેશ ક્રેડિટ લોન, ૨ સ્વસહાય જૂથોના પ્રોડ્યુસર ગ્રુપને રૂ.૦૪ લાખની લોન સહાય ચુકવવામાં આવી હતી. કાર્યક્રમ સ્થળે સખી મંડળના બહેનો દ્વારા ઉત્પાદિત ચીજ વસ્તુઓના વેચાણ માટે સ્ટોલ, ક્વિઝ કોર્નરની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. સેલ્ફી પોઇન્ટ ઉપર બહેનોએ હર્ષભેર સેલ્ફી લીધી હતી.

ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને રાજયકક્ષાનો કાર્યક્રમ પાટણ ખાતે યોજાયો હતો, જેમાં ૧૩ હજારથી વધુ સ્વ સહાય જૂથોની ૧.૩૦ લાખ જેટલી મહિલાઓને રૂ.૨૫૦ કરોડથી વધુની સહાય ચુકવવામાં આવી હતી. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્વસહાય જૂથોની બહેનો સાથે વર્ચ્યુઅલ સંબોધન સાધ્યું હતું. આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ ઉપસ્થિત સર્વેએ નિહાળ્યું હતું. ઉપલેટા નગરપાલિકા ચીફ ઓફિસર શ્રી નીલમબેન ઘેટિયાએ આભારવિધિ કરી હતી.

આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત સામાજિક ન્યાય સમિતિ ચેરમેન શ્રી ભાનુબેન બાબરીયા, અગ્રણીશ્રી રેખાબેન સીનોજીયા, શ્રી વર્ષાબેન ગજેરા સહિતના પદાધિકારીઓ, આગેવાનશ્રીઓ, પ્રાંત અધિકારીશ્રી જે.એન. લીખીયા, ધોરાજી મામલતદારશ્રી એ.પી.જોશી, ઉપલેટા મામલતદારશ્રી એમ.ટી.ધનવાણી, ઉપલેટા તાલુકા વિકાસ અધિકારીશ્રી આદર્શ બસેર, ધોરાજી તાલુકા વિકાસ અધિકારીશ્રી શાંતિબેન ઢીલા, ધોરાજી ચીફ ઓફિસર શ્રી જયમલ મોઢવાડિયા સહીતના સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ તથા બહોળી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહ્યા હતા.









