
તા.૧/૩/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
રાજકોટના મિલેટ્સ એક્સ્પોમાં માણો કાંગની ખીચડી-રાગીની કઢી અને મિલેટ્સની ભેળ
Rajkot: રાજ્યના નાગરિકો આહારમાં મિલેટસ એટલે કે પોષક ધાન્યનુ મહત્વ સમજતા થાય અને રોજીંદા આહારમાં તેનો ઉપયોગ કરે તે માટે રાજકોટ ખાતે ગુજરાત સરકારના કૃષિ વિભાગ દ્વારા મિલેટસ-તૃણ ધાન્યને પ્રોત્સાહન માટે મીલેટ એક્ષ્પો-૨૦૨૪નુ આયોજન કરવામાં આવ્યું છે.

આ મિલેટ એક્ષ્પો સ્વાદ, સ્વાસ્થ્ય,માહિતી અને મનોરંજનનું સંગમ સ્થળ બન્યો છે. સ્વાસ્થ્ય સાથે સ્વાદના શોખીનો માટે આ કાર્યક્રમમાં ૫૦ જેટલા મિલેટ સ્ટોલ સાથે અંદાજે ૧૧ લાઈવ મિલેટ ફૂડ સ્ટોલ પણ રાખવામાં આવ્યા છે, આ સ્ટોલ પરથી લોકો મિલેટની અવનવી વાનગીઓની લહેજત માણી શકે છે, જેમાં કાંગની ખીચડી-રાગીની કઢી અને મિલેટ્સની ભેળ બધાના આકર્ષ્ણનું કેન્દ્ર બન્યું છે.
મિલેટ એકસપોમાં સજીવન ઓર્ગેનિકના લાઈવ સ્ટોલના મેનેજર શ્રી સુધા પ્રજાપતિએ જણાવ્યું કે, અમારી કંપની મિલેટ્સના ઓર્ગેનિક ફાર્મિંગ સાથે છેલ્લા ૨૦ વર્ષથી કાર્યરત છે અને ગુજરાતના ૫૦ હજાર ખેડૂતો જોડાયેલા છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના “મિશન મિલેટ્સ’’માં ડાંગ જિલ્લાના ૧૮ હજાર થી વધુ ખેડૂતો મિલેટ્સના ફાર્મિંગ જોડાયા છે. ૨૯૨ ગામના ખેડુતો તથા તેના પરિવારો પ્રાકૃતિક રીતે મિલેટ્સનો લોટ-ફાડા બનાવવાનું કાર્ય કરે છે. અમારી કંપની ડાંગમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ આપવાનું અને સહાય આપવાનું કાર્ય કરે છે. તાલીમની સાથે-સાથે ઓર્ગેનિક સર્ટિફિકેશન આપે છે, જેનો તમામ ખર્ચ સરકાર ઉઠાવી રહી છે. ગુજરાત સરકાર મીલેટ્સના ઉત્પાદનમાં વધારો થાય તે માટે પ્રોત્સાહન-સહાય રૂપે ખેડૂતોને દર વર્ષે રૂ.૧૦ હજાર પ્રાકૃતિક ખેતી માટે ખેડુતોને ચૂકવે છે. જેથી ખેડૂતોને પ્રોત્સાહન મળી રહે અને લોકોમાં જાનજાગૃતિ ફેલાય તે માટે ટ્રુ લાઇફ એન્ટરપ્રાઇઝનું ઉમદા કાર્ય સજીવન ગ્રુપ દ્વારા થઈ રહ્યું છે.
સજીવન લાઈવ પ્રથમ કંપની છે, જે રોજિંદા જીવનમાં મિલેટ્સનો ઉપયોગ વધે, તે માટે 70 થી વધુ મુખ્ય પ્રોડક્ટ અને પ્રોસેસ પ્રોડક્ટ બનાવે છે. જેમાં રેડી ટુ કુક, રેડી ટુ ઇટ જેવી વાનગીઓનો સમાવેશ થાય છે. આખા ધાન્ય અને લોટ જેવા કે, આખી રાગી, જુવાર, સામો, કાંગ, કોડો , કોદરી અને બ્રાઉન ટોપ છે, જેમાંથી લોટ, ખાખરા, ભાખરી, બિસ્કીટ, પીઝા, ભેળ, કઢી, ખીચડી, વગેરે જેવી વસ્તુઓ બનાવે છે. ગુજરાત સરકારે ૨૦૨૧ માં જુલાઈ મહિનામાં સમગ્ર ડાંગ જિલ્લાને પ્રાકૃતિક જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે.
આમ, સજીવન જેવી સંસ્થાઓના સહકારથી દરેક માનવીના રોજિંદા જીવનમાં મિલેટ્સનો ઉપયોગ વધી રહ્યો છે.








