
તા.૧ એપ્રિલ
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
ઈજાગ્રસ્ત બાઈકચાલક પાસેથી મળેલ સોનાના દાગીના સહિત રૂા. ૬૦ હજારથી વધુનો કિંમતી મુદ્દામાલ પરત કર્યો
જ્યારે જાહેર માર્ગો પર કોઈ અકસ્માત સર્જાય ત્યારે ત્વરિત મેડીકલ સારવાર પુરી પાડવા ૧૦૮ ની ઈમરજન્સી સેવા સદાય ઉપલબ્ધ હોય જ છે, ત્યારે અકસ્માતમાં ઈજા પામનાર વ્યક્તિનો કિંમતી મુદામાલ સાચવીને તેના પરિવારજનોને રૂબરૂ બોલાવી પરત કરી પ્રામાણિકતા અને નૈતિકતાનું ઉમદા ઉદાહરણ પણ ૧૦૮ની ટીમ સ્થાપિત કરી જાણે છે.

પ્રમાણિકતાનું ઉદાહરણ પૂરું પાડતી આવી જ એક ઘટના રાજકોટમાં બની હતી. આ પ્રેરણાત્મક કિસ્સા વિશે વિગતો આપતા ૧૦૮ ટીમના રાજકોટના જિલ્લા સુપરવાઈઝરશ્રી દર્શિતભાઈ પટેલએ જણાવ્યું હતું કે, રાજકોટમાં ખોખડ નદીના પુલ પાસે કેતનભાઈ કાકડીયા નામનાં બાઈક સવારનું અક્સ્માત થતા ત્વરિત સારવાર માટે ૧૦૮ ને જાણ કરવામાં આવી હતી. ગણતરીની મિનિટોમાં જ ૧૦૮ ઈ.એમ.ટી. રાજીબેન ડાકી અને પાયલોટ ધર્મેન્દ્રસિંહ વાળા ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા. ઈજાગ્રસ્ત બાઈકચાલકને વધુ સારવાર અર્થે રાજકોટ સીવીલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા.

ઈજાગ્રસ્ત બાઈકચાલક પાસેથી એક ઘડિયાળ, સોનાની વીંટી, મોબાઈલ ફોન, રોકડ, અગત્યનાં ડોક્યુમેન્ટ્સ સહિતનો અંદાજિત રૂ.૬૦,૦૦૦/- થી વધુનો કિંમતી મુદ્દામાલ મળી આવ્યો હતો. ઈ.એમ.ટી. રાજીબેન ડાકી અને પાયલોટ ધર્મેન્દ્રસિંહ વાળાએ ઈજાગ્રસ્તના પરિજનોને જાણ કરી કેતનભાઈનાં ભાઈ ભરતભાઈને તમામ વસ્તુઓ સહીસલામત સુપરત કરી પ્રમાણિકતાનું શ્રેષ્ઠતમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આ તકે ઈજાગ્રસ્તનાં પરિવારજનોએ ૧૦૮ની ટીમની પ્રમાણિકતા અને નિષ્ઠાથી પ્રભાવિત થઈ ૧૦૮ની સમગ્ર ટીમનો આભાર માન્યો હતો.








