
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારીનવસારી જિલ્લાનો વાંસદા તાલુકો દક્ષિણ ગુજરાતમાં કુદરતના ખોળે વસેલો છે. વનોનું સૌંદર્ય, પહાડો, ખીણો, જૈવિક વૈવિધ્ય થકી અહીં નયનરમ્ય આહલાદક વાતાવરણ ઉભુ કરે છે. વર્ષાઋતુમાં નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના અનેક સ્થળોની નૈસર્ગિક સુંદરતા સોળે કળાએ ખીલી ઉઠે છે. અહીનો વિસ્તાર વરસાદનાં અમી છાંટણાથી જાણે ધરતીએ લીલી ચાદર ઓઢી હોય તેવું લાગે છે ત્યારે, નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના વાંગણ ગામના ‘આંકડા ધોધ’નો રમણીય નજારો કંઇક અલગ જ હોય છે.
વરસાદી વાતવરણમાં ચોતરફ લીલાછમ ખેતરોની હરિયાળી વચ્ચે નવસારી જિલ્લાના વાંસદા તાલુકાથી ૧૭ કી.મી દુર વાંગણ ગામમાં કુદરતી સોંદર્યનું અદભુત નજરાણું આંકડા ધોધ આવેલ છે. આંકડા ધોધ સુધી પહોંચવા માટે વાંગણ ગામમાં પ્રવેશ કર્યા બાદ લગભગ એક થી બે કી.મીનો માર્ગ ચાલીને કાપવો પડે છે. પગદંડી અને ઝરણાંના માર્ગમાં ચાલવાની મજા સાથે ધોધના કર્ણપ્રિય અવાજ અને ધોધના દર્શન પ્રવાસીઓને મનને પ્રફુલિત કરી દેનાર છે. ધોધ સુધીની પગપાળા સફર દરમિયાન સ્થાનિકો દ્વારા ચાલતી શેકેલી મકાઈ (બુટા ), ચા તથા ગામના ફળોની લારી પ્રવાસીઓને ખાસ આકર્ષિત તથા આનંદિત કરનારી છે.
અહીના ઉંચા લીલાછમ ડુંગરો પરથી સ્તબ્ધ કરી દેતો વિશાળ ધોધ આંખોને પ્રફુલ્લિત કરનાર છે. જે વિશાલ ધોધ નીચે આવીને પાંચ થી છ ભાગમાં ભળી સૌમ્ય ધોધ સ્વરૂપમાં જોવા મળે છે. જ્યાં ધોધના પાણીના પ્રવાહમાં પ્રકૃતિપ્રેમી અને પ્રવાસીઓ આંનદ માણે છે .
ગામના લોકોના જણાવ્યાં અનુસાર ધોધ પાસે હનુમાનજીને મૂર્તિને આંકડાના ફૂલો અર્પણ થતા હોય જેથી ગામના પૂર્વજોએ આ ધોધને આંકડા ધોધ નામ પાડવામાં આવ્યું હતું. ઉપરાંત આ ધોધને આદિવાસી ધોધ તરીકે પણ સ્થાનિકોમાં પ્રચલિત છે.
વાંગણ ગામના ચારે તરફ હરિયાળી અને ખુશનુમા વાતાવરણ વચ્ચે આવેલ આ આંકડા ધોધ પ્રવાસીઓનું આકર્ષણ કેન્દ્ર બનતું જાય છે. હજારો પ્રકૃતિપ્રેમી તથા પ્રવાસીઓ ચોમાસના ઋતુમાં અહીં કુદરતી સૌંદર્ય માણવા આવે છે. આવા ધોધનાં લીધે ગામને પણ ઘણીબધી પ્રસિદ્ધિ મળેલી છે અને લોકોને રોજગારી પણ મળી છે. ગામના લોકો માટે ખેતી અને પશુપાલનની આવક સાથે ધોધ પાસે નાની-નાની દુકાનો ચલાવીને ગામના લોકો આવક મેળવી રહ્યા છે.
વાંગણ ગામના લોકો નયનરમ્ય આંકડા ધોધની જાળવણી માટે સજાગ અને કટિબદ્ધ છે. ત્યારે આ સુંદર ધોધની પાસે કચરો કે ગંદકી ન કરી ધોધને સ્વચ્છ રાખવાની નૈતિક જવાબદારી અહી આવતા પર્યટકો અને પ્રકૃતિપ્રેમીઓ સાથે આપણા સૌની છે.