
ફળાવ ઝાડ રોપા વિતરણ ની કામગીરી માં પણ લાભાર્થી ની ખોટા સહી કરી સરકાર નાં પૈસા ની ઉચાપત કરી હોવાની વાત ને લઇ ને ફરીયાદ આપી હતી.
વાત્સલ્યમ્ સમાચાર
અંબાલાલ પટેલ ચીખલી
વાંસદા પ્રાયોજના અધિકારીની કચેરીના અજાણ્યા કર્મચારીએ 2011માં ટ્રેનિંગનાં પત્રો ઉપર ખોટી સહી કરી રૂ. 5.12 લાખનાં વર્કઓર્ડર મંજૂર કરનારા કર્મચારી સામે હાલના ઇન્ચાર્જ મદદનીશ કમિશ્નરે પોલીસ ફરિયાદ કરી છે. જેમાં વર્ષ 2011માં ફરિયાદ કરી અને ગુનો 2023માં નોંધાયો.આદિજાતિ વિકાસ કચેરી સરકારના વિકાસ કામની વિવિધ યોજનાઓને તાલીમાર્થી લાભાર્થીઓ સુધી પહોંચાડવા માટેની કામગીરીનું સંચાલન કરે છે. જેમાં કુમાર-કન્યા છાત્રાલય, આદર્શ નિવાસી શાળાઓ, ગ્રાંટ ઈન એઈડ છાત્રાલયોનું સંચાલન, અમલીકરણ પ્રાયોજના વહીવટદાર કચેરી સાથે સંકલનમાં કરે છે. આદિવાસી વિસ્તારમાં વિદ્યાર્થીઓને આધુનિક તાલીમ આપી પગભર થવા સહિત અનેકોનેક યોજનાઓ કાર્યરત છે. જેમાં પ્રતિ વર્ષ કરોડો રૂપિયાનો ધુમાડો થાય છે. પરંતુ સરકારી કચેરીમાં ભ્રષ્ટાચારના ભોરિંગોએ કબજો જમાવ્યો હોવાથી યોજનાના લાભ છેવાડાના આદિવાસીઓ સુધી પહોંચતા નથી. જેમાં સરકારી અધિકારી, કર્મચારી, કોન્ટ્રાક્ટર,
એજન્સીઓ સામેલ હોવાનું કહેવાય છે.નવસારીમાં મદદનીશ કમિશ્નર તરીકે હાલ વલસાડમાં ફરજ બજાવતા અધિકારી વી.એસ.ગોહિલે ટાઉન પોલીસમાં અજાણ્યા કર્મચારીએ ડુપ્લીકેટ સહી કરી લાખોના તાલીમ માટેનાં વર્ક ઓર્ડર પાસ કર્યા હોય ફરિયાદ આપી હતી. તેઓએ જણાવ્યુંકે વર્ષ-2011માં પ્રાયોજના અધિકારીની કચેરી વાંસદા તરફથી ગણદેવી તાલુકાના 41 આદિવાસી યુવક-યુવતીઓને વિવિધ સ્કિલ માટેની તાલીમ માટે તાલીમાર્થી દીઠ રૂ. 12500 લેખે રૂ. 5.12 લાખમાંથી એનરોલમેન્ટ ફી રૂ. 33000 બાદ કરીને રૂ. 4.79 લાખની મંજૂરી મળતા કચેરીમાંથી વર્ક ઓર્ડરની કાર્યવાહી કરી યોજના અમલમાં મૂકવામાં આવી હતી.એ સમયે કર્મચારી ગુલાબ ગામીતે રજૂઆત કરી કે વર્ક ઓર્ડર ઉપર તે વખતના પ્રાયોજના અધિકારી નયનાબેન શેલતની ખોટી સહીથી કામ મંજૂર કરાયા હોવાની ફરિયાદ કરી હતી. સાચી અને ખોટી સહી બાબતે ગૃહ વિભાગ તરફથી મંજૂરી મેળવી પત્રોની ખરાઈ કરવા ગાંધીનગર લેબોરેટરીમાં મોકલાયો હતો. જેમાં રિપોર્ટમાં સહી ખોટી હોવાનું સાબિત થયું હતું. મદદનીશ કમિશ્નર ગોહિલે ટાઉન પોલીસે મથકે અજાણ્યા કર્મચારી વિરૂદ્ધ ખોટી સહીથી સરકારી રેકર્ડમાં ચેડાં કરી વર્ક ઓર્ડર મંજૂર કર્યાનો ગુનો કર્યો હોય ફોજદારી કાર્યવાહી કરવા ફરિયાદ કરી હતી.
બોક્સ:૧
વાંસદા ખાતે આવેલ પ્રાયોજના વહીવટદાર ની કચેરી માં કામ કરતાં અમૂક કર્મચારી ની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તો અનેક ગેરરીતિ બહાર આવે એમ છે. ત્યારે આ કચેરી માં કામ કરતાં સામાન્ય કર્મચારી ની એજન્સીઓ અને અલગ અલગ એન.જી.ઓ સાથે પણ સાઠ-ગાઠ બહાર આવે એમ છે.
બોક્સ:૨
ફળાવ ઝાડ રોપા વિતરણ ની કામગીરી માં કરવામાં આવેલ અછબડા ની નિષ્પક્ષ તપાસ હાથ ધરવામાં આવે તો એજન્સી અને તેના મળતીયાઓ બહાર આવે એમ છે.







