
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનએ સોમવારે ભારતમાં બનેલી વધુ એક કફ સિરપને લઈને એલર્ટ જાહેર કર્યું છે. આ વખતે ઈરાકમાંથી ભારતીય સિરપને લઈને વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. છેલ્લા 10 મહિનામાં આ પાંચમી વખત છે જ્યારે ભારતીય બનાવટની દવાઓ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. WHOએ પોતાના નિવેદનમાં કહ્યું કે, ઈરાકમાંથી ‘કોલ્ડ આઉટ’ કફ સિરપ વિશે જાણકારી મળી છે. આ કોલ્ડ આઉટ સિરપ (પેરાસીટામોલ અને ક્લોરફેનિરામાઇન મેલેટ) નબળી ગુણવત્તાવાળું અને સ્વાસ્થ્ય માટે જોખમી છે.
આ સિરપના ઉત્પાદક તમિલનાડુની Fourrts (INDIA) Laboratories Pvt Ltd છે. તેનું ઉત્પાદન એકમ મહારાષ્ટ્રમાં છે જેનું નામ છે Dabilife Pharma Private Limited. આ સિરપનો ઉપયોગ શરદીના લક્ષણો અને એલર્જીમાં રાહત માટે થાય છે.
ડબ્લ્યુએચઓએ જણાવ્યું છે કે ઇરાકમાં એક જગ્યાએથી ‘કોલ્ડ આઉટ’ કફ સિરપ મંગાવીને લેબ વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. સેમ્પલમાં ડાયથેલીન ગ્લાયકોલનું પ્રમાણ વધુ હોવાનું જણાયું હતું, જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે. જેમાં તેનું પ્રમાણ 0.25 ટકા હતું. તે જ સમયે ઇથિલિન ગ્લાયકોલ પણ 2.1 ટકા જોવા મળ્યું હતું. આ બંને ગ્લાયકોલ મર્યાદાથી ઉપર છે. તેનો 0.10 ટકાથી વધુ ઉપયોગ કરી શકાતો નથી. ડાયથિલિન ગ્લાયકોલ અને ઇથિલિન ગ્લાયકોલ ઝેરી છે અને જો મોટી માત્રામાં પીવામાં આવે તો તે મૃત્યુનું કારણ બની શકે છે.