મોદીજીના 400 પારના સપનાને ખતમ કરીશું.અમે સરકાર બનાવી શકીએ, તો મિટાવી પણ શકીએ. : શેરસિંહ રાણા

પરશોત્તમ રૂપાલા વિવાદમાં આજે અમદાવાદમાં ગોતા વિસ્તારમાં આવેલા રાજપૂત સમાજ ભવન ખાતે ક્ષત્રિય સમાજના આગેવાનોની બેઠક મળી હતી. આ બેઠકમાં રાષ્ટ્રવાદી જનશક્તિ પાર્ટી – RJPના સંયોજક શેરસિંહ રાણા પણ હાજર રહ્યાં હતા. પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ પર કરેલા વિવાદિત નિવેદન મામલે તેમણે રૂપાલા અને ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. શેરસિંહ રાણાએ કહ્યું કે પરશોત્તમ રૂપાલાનું નિવેદન અપવિત્ર હતું જેનાથી માતા દીકરીની લાગણી દુભાઈ છે. આ મુદ્દાને ગુજરાત સુધી સીમિત નથી રાખવો, તેથી હું અહીંયા આવ્યો છું. ક્ષત્રિય સમાજના અપમાનનો આ આ મુદ્દો દેશભરમાં ગૂંજશે.
શેરસિંહ રાણાએ એમ પણ કહ્યું કે ક્ષત્રિય સમાજ પાસે હવે કોઈ ઓપ્શન નથી. ભાજપ રૂપાલાને હટાવીને બીજો ઉમેદવાર મૂકે. બીજેપીને હવે લાગે છે કે ક્ષત્રિય સમાજને નીચવી લીધો છે અને હવે અમને અલગ કરવા માંગે છે. અમને દૂર ફેંકવાનો આમનો પ્રયાસ કરી દલિત સમાજને નજીક લાવવાનો પ્રયાસ છે. દલિત સમાજ કોંગ્રેસ વોટર છે જેને હવે ભાજપ તેમની તરફ કરવા માંગે છે. દલિત ભાઈઓને વિનંતી છે કે બીજેપીની આવી વાતોમાં ન આવે. લોકતંત્રમાં અમે આવીશું અને દરેકના અધિકારો આપીશું. કોઈનો અધિકાર અમે છીનવવા નહિ દઈએ.
રૂપાલા પર પ્રહાર કરતા શેરસિંહ રાણાએ કહ્યું કે જાનવરોના ઈલાજ કરતા કરતા રૂપાલમાં જાનવરની આત્મા આવી ગઈ છે, પણ ક્ષત્રિયો જાણે છે આવી આત્મા કેવી રીતે બહાર કાઢવી. આ ભાજપનું ષડ્યંત્ર લાગી રહ્યું છે. અમે હારીશું કે જીતીશું, પણ એવી પરિસ્થિતિ બનાવીશું કે મોદીજીના 400 પારના સપનાને ખતમ કરીશું.અમે સરકાર બનાવી શકીએ, તો મિટાવી પણ શકીએ.
શેરસિંહ રાણાએ કહ્યું કે ક્ષત્રિય સમાજની બહેનોને અપીલ કરું છું કે જોહર ન કરે. સમાજની દીકરી પહેલા પુરુષો સાકા કરવા તૈયાર છે. અમે વોટના દમ પર સાકા કરીશું અને બતાવીશું. ક્ષત્રિય સમાજની કમિટી પણ બનાવવામાં આવી છે. ડેમેજ કંટ્રોલની વાત આવશે તો ચર્ચા કરીશું, પણ પોઝિટિવ હોવી જોઈએ. શેરસિંહે કહ્યું કે રૂપાલા બલીનો બકરો છે. રૂપાલાની ટિકિટ બદલાય તો અમે માનીશું કે આ ક્ષત્રિય સમાજ સામે ષડ્યંત્ર નથી. આ ભૂલ નહીં સુધારવામાં આવે તો આંદોલન આખા દેશમાં લઈ જઈશું. ભાજપની રણનીતિ ષડ્યંત્રવાળી છે. બીજા રાજ્યોમાં પણ અમારા વિરુદ્ધ અપશબ્દો બોલાશે. અમે પોતાની પાર્ટી બનાવીને પાટીદારને ટિકિટ આપીશું. અન્ય સમાજને સાથે રાખીને વોટ ખેંચી લાવીશું.