
કલમ 370 નાબુદ કરવાના કેન્દ્ર સરકારના નિર્ણય વિરુદ્ધ થયેલી અરજી અંગે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણી કરાવવા અંગે મહત્વની વાત કહી છે. કેન્દ્રએ સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે અમે જમ્મુ-કાશ્મીરમાં ગમે ત્યારે ચૂંટણી કરાવવા માટે તૈયાર છીએ. કેન્દ્ર સરકાર વતી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું હતું કે લેહમાં સ્થાનિક ચૂંટણી યોજાઈ છે. જ્યારે કારગીલમાં ચૂંટણી યોજાવા જઈ રહી છે. તેમણે વધુમાં કહ્યું કે જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી ઘટનાઓમાં 45.2 ટકાનો ઘટાડો થયો છે. હું 2018ની સ્થિતિને 2023ની સ્થિતિ સાથે સરખાવી રહ્યો છું. ઘૂસણખોરીમાં 90.2 ટકાનો ઘટાડો થયો છે. આ તમામ આંકડા દર્શાવે છે કે જમ્મુ-કાશ્મીરમાં સ્થિતિ સારી થઈ રહી છે.
જમ્મુ અને કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવા અંગે કેન્દ્રએ સુપ્રીમ કોર્ટને કહ્યું કે તેઓ હાલમાં તે ચોક્કસ સમય અવધી આપી શકે તેમ નથી. પરંતુ કેન્દ્રશાસિત પ્રદેશ(UT)નો દરજ્જો માત્ર એક અસ્થાયી વ્યવસ્થા છે. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ વધુમાં જણાવ્યું હતું કે એકલા જાન્યુઆરી 2022માં 1.8 કરોડ પ્રવાસીઓ અને 2023માં 1 કરોડ પ્રવાસીઓ આવ્યા હતા. આ તે પગલાંને કારણે છે જે કેન્દ્ર સરકાર ઉઠાવી રહી છે. જામ્મુ અને કાશ્મીર UT છે ત્યાં સુધી જ કેન્દ્ર આવા પગલા લઈ શકે છે. કેન્દ્ર ચૂંટણી માટે તૈયાર છે. પરંતુ તે ક્યારે કરવાવી એ કેન્દ્રીય ચૂંટણી પંચે નક્કી કરવાનું છે. અમે જણાવવા માંગીએ છીએ કે જમ્મુ-કાશ્મીરમાં હજુ સ્થિતિ સુધરી શકે છે.
કેન્દ્રની આ દલીલો પર મુખ્ય ન્યાયધીશ ડી વાય ચંદ્રચુડે કહ્યું કે કેન્દ્રના આ જવાબથી કેસની બંધારણીયતા નક્કી કરવામાં કોઈ અસર થશે નહીં. અરજદારોના વકીલ કપિલ સિબ્બલે કહ્યું હતું કે કોર્ટે આ વિસ્તારમાં ન જવું જોઈએ.
મંગળવારે સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે જમ્મુ અને કાશ્મીરમાં લોકશાહી પુનઃસ્થાપિત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. કોર્ટે જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી યોજવા માટે કેન્દ્રની તૈયારીઓ વિશે પણ પૂછ્યું હતું. સુનાવણી દરમિયાન બેન્ચે તુષાર મહેતાને પૂછ્યું કે શું તમે કોઈ રાજ્યને કેન્દ્રશાસિત પ્રદેશમાં બદલી શકો છો?