
‘નારીશક્તિ વંદન વિધેયક’ લોકસભામાં મંજૂર થયું તે માટે વડાપ્રધાનને ધન્યવાદ આપતા હોર્ડિંગ 22 સપ્ટેમ્બર 2023ના રોજ અમદાવાદમાં ચાર રસ્તા પર જોવા મળ્યા. સત્તાપક્ષ લોકોને કઈ હદ સુધી મૂરખ બનાવે છે તેનું આ ઉદાહરણ છે. મણિપુરમાં મહિલાઓની નગ્ન પરેડ આખી દુનિયાએ જોઈ. મહિલા પહેલવાનોનું યૌન શોષણ કરનાર સત્તાપક્ષના MP બ્રિજભૂષણસિંહને કઈ રીતે છાવર્યો તે દેશના લોકો જાણે છે. સત્તાપક્ષને મહિલાઓ પ્રત્યે બિલકુલ સંવેદના નથી; પરંતુ હવે ‘નારીશક્તિ વંદન વિધેયક’ના રુપાળા અને છેતરામણા નામે દેશની મહિલાઓને ઠગવાની યુક્તિ સત્તાપક્ષે શોધી કાઢી છે. આ રુપાળા કાયદાનો અમલ 2029 પછી થવાનો છે, પણ સત્તાપક્ષ 2024ની લોકસભાની ચૂંટણીમાં મહિલાઓના મત ખંખેરવા તેનો ઉપયોગ કરશે !
શું છે ‘નારીશક્તિ વંદન વિધેયક’? આ બિલની તરફેણમાં 454 મત પડ્યા અને 2 મત વિરુદ્ધમાં પડ્યા. મહિલાઓને 33% અનામત આપવાની જોગવાઈ છે; પરંતુ કઈ મહિલાઓને આ અનામતનો લાભ મળશે? તે અંગે જાણવું જરુરી છે. આ બિલ પરની ચર્ચામાં MP રાહુલ ગાંધીએ સંસદમાં કહ્યું કે ‘વડાપ્રધાનના 90 સચિવોમાં માત્ર 3 સચિવો જ OBC સમુદાયના છે !’ રાહુલ ગાંધીએ આવું શામાટે કહ્યું તે જાણવાની જરુર છે.
મહિલા અનામત પાછળનો પ્રપંચ શું છે? Women’s Reservation Bill, 12 સપ્ટેમ્બર 1996ના રોજ પ્રથમ વખત સંસદ સમક્ષ મૂકાયું હતું, જેમાં 33% મહિલા અનામતની બાબત હતી. ત્યાર બાદ 1998, 1999 અને 2008 માં આ બિલને પાસ કરવા કોશિશ થઈ. છતાં 2022માં પણ આ બિલ પાસ થયું ન હતું. સંસદમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ 193 દેશોની યાદીમાં ભારત 148 મા સ્થાને છે. 2023માં લોકસભામાં 78 મહિલા સાંસદ છે. પ્રથમ લોકસભામાં માત્ર 24 મહિલા સાંસદ હતી. કુલ સાંસદોમાં 14% મહિલાઓ છે; આંતરરાષ્ટ્રીય પ્રમાણ 22% છે ! 20 રાજ્યોમાં પંચાયત સ્તરમાં 50% મહિલા અનામત છે. એક સર્વે મુજબ મહિલાઓનું પ્રતિનિધિત્વ વધતા પીવાના પાણી/સેનિટેશન/ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સમસ્યા ઓછી થઈ છે ! સવાલ એ છે કે આટલા વરસો સુધી આ ખરડો મંજૂર કેમ ન થયો? આ ખરડાની તરફેણ કોણ અને શામાટે કરે છે? આ ખરડાનો વિરોઘ કોણ અને શામાટે કરે છે? આ અંગે જયંતિભાઈ માનાણીએ વર્ષ 2000માં પુસ્તિકા લખેલ-‘કૌન કૌન કિતને પાની મેં? 33% સ્ત્રી અનામતના લેખા જોખા.’ આ પુસ્તિકામાં ઊઠાવેલ મુદ્દાઓ 2023માં પણ સાંપ્રત છે.
લેખક આંખ ખોલનારી હકીકત આપણી સમક્ષ મૂકે છે. અનામતની વાત કરીએ તે પહેલા વર્ણવ્યવસ્થાને સમજવી પડે. ભારતની પ્રજા પાંચ ભાગમાં વહેંચાયેલી છે : બ્રાહ્મણ/ક્ષત્રિય/વૈશ્ય/ શૂદ્ર અને પંચમ-અવર્ણ-અતિશૂદ્ર. આ પાંચ ભાગોના મુખ્ય બે ભાગ પડે છે. એક ઉચ્ચ વર્ણ, જેમાં બ્રાહ્મણ/ક્ષત્રિય/વૈશ્યનો સમાવેશ થાય છે. જે 2000 વરસથી ભારતીય સમાજ પર હાવી છે. બીજો નીચલો વર્ગ, જેમાં શૂદ્ર/બક્ષી-મંડલ જાતિઓ/અતિશૂદ્ર SC-ST જાતિઓ અને તેમાંથી ધર્મપરિવર્તિત લઘુમતી જાતિઓનો બનેલો છે. જે ઉચ્ચ વર્ગના શોષણ/દમનનો શિકાર બનતો રહ્યો છે. લોકશાહીના ચાર સ્તંભો છે-શાસક/ પ્રશાસન/ન્યાયતંત્ર/ મીડિયા. શાસકમાં કેબિનેટ, સત્તાધારી પક્ષ અને વિપક્ષ આવે. 1999માં સ્થિત શું હતી? 5.52% બ્રાહ્મણ-ભૂમિહાર વર્ગની; સત્તાધારી પક્ષ/વિપક્ષમાં નેતાગીરી હતી ! 17 કેબિનેટ મંત્રીમાં એક પણ મહિલા મંત્રી ન હતી ! બહુજનસમાજનું પ્રતિનિધિત્વ 17.65% અને 5.52% બ્રાહ્મણ-ભૂમિહારનું પ્રતિનિધિત્વ 52.94% હતું ! પ્રશાસનની સ્થિતિ જોઈએ તો દિલ્હી સચિવાલયમાં વર્ગ-1ની સ્થિતિ આ હતી : 52.10% બક્ષી-મંડલ જાતિઓના અધિકારીઓ 303 એટલે 2.59% હતા ! 22.56% SC-STના અધિકારીઓ 840 એટલે 7.17% હતા ! અન્ય ઉચ્ચ જાતિઓના 3540 અધિકારીઓ એટલે 30.24% હતા. જ્યારે 5.52 બ્રાહ્મણ-ભૂમિહારના 7024 અધિકારીઓ એટલે 60.00% હતા ! ન્યાયતંત્રની સ્થિતિ જોઈએ. સુપ્રિમકોર્ટમાં 5.52% બ્રાહ્મણ-ભૂમિહારનું પ્રતિનિધિત્વ 60% ઉપરનું હતું ! રાજ્યોની હાઈકોર્ટમાં 358 ન્યાયાધીશોમાં SC-4, બક્ષી મંડલ-4, ST-0 પ્રતિનિધિત્વ હતું ! જ્યારે ઉચ્ચ વર્ગનું પ્રતિનિધિત્વ 97.76% હતું ! મીડિયામાં નીચલા વર્ગનું પ્રતિનિધિત્વ સાવ નજીવું હતું ! રાષ્ટ્રીય અખબારો/ચેનલો વૈશ્ય-બ્રાહ્મણ ઉદ્યોગપતિઓની માલિકીના છે. તેમની પ્રથમ વફાદારી સત્ય તરફ નહીં, પરંતુ પોતાના સંકીર્ણ, વર્ગીય હિતો તરફ હોય છે. આમ લોકશાહી છે, પરંતુ 90% વ્યવસ્થા ઉચિચવર્ગની દાસી બની ગઈ છે ! 2022માં પણ આ જ સ્થિતિ છે. બહુજનસમાજ; લોકશાહીના ચારેય સ્તંભોમાં 10%થી ઓછી ભાગીદારી ધરાવતો હોવાથી વિકાસના તમામ ક્ષેત્રોમાં તે ખૂબ પાછળ રહી ગયેલ છે.
ડો. આંબેડકરજીએ હિન્દુ કોડ બિલ બનાવ્યું તેમાં સ્ત્રીને પોતાના પતિની તથા પિતાની મિલકતમાં ભાગીદારીનો અધિકાર આપવામાં આવ્યો હતો. ત્યારે સંસદમાં 56% બ્રાહ્મણ સંસદસભ્યો હતા. તેમણે જબરજસ્ત વિરોધ કર્યો. એક તરફ, 1955માં ઉચ્ચવર્ણની મહિલાઓએ મોરચો કાઢીને અવાજ ઊઠાવ્યો કે અમારે મિલકતના અધિકાર જોઈતા નથી ! બીજી તરફ, ઉચ્ચવર્ણની મહિલાઓ દ્વારા સંચાલિત મહિલા સંગઠનો દ્વારા, 1996 થી 1999 દરમિયાન 33% મહિલા અનામત લાગુ પાડવા માટે મોરચાઓ કાઢવામાં આવ્યા ! 1999માં શિયાળુ સત્રમાં 33% મહિલા અનામત બિલ રજૂ કરવામાં આવ્યું. જેની પાછળ ખતરનાક પ્રપંચ હતો ! 33% મહિલા અનામતમાં; બક્ષી-મંડલ જાતિઓ તથા SC-ST જાતિઓની મહિલાઓ માટે અલગ ક્વોટા રાખવાની જોગવાઈ ન હતી ! ટૂંકમાં વાંકી આંગળીએ અનામત કાઢવાનો પ્રપંચ હતો ! 33% મહિલા અનામતનો અમલ થાય તો લોકસભામાં 180 મહિલા બેઠકો અસ્તિત્વમાં આવે. પક્ષો ઉચ્ચવર્ણની મહિલાઓને ટિકિટો આપે; આમ મહિલા અનામત દ્વારા પોતાનું વર્ચસ્વ વધારવા માટે તેઓ 33% મહિલા અનામતનો એક હથિયાર તરીકે ઉપયોગ કરવા ઈચ્છતા હતા !
એક તરફ, પછાતવર્ગોને અનામત આપવા સામે ઉચ્ચવર્ણ/ મનુસ્મૃતિ ચાહકો વિરોધ કરે છે; બીજી તરફ તેઓ મહિલા અનામતની ઉત્સાહપૂર્વક તરફેણ કરે છે ! સમજવાનો મુદ્દો આ છે. મહિલા અનામતની તરફેણ કરનારા રાજકીય પક્ષો શામાટે મહિલાઓને ટિકીટ આપતા નથી? તેઓ ઈચ્છે તો 50% ટિકિટ મહિલાઓને આપી શકે છે ! શામાટે 33% મહિલા અનામત તેઓ ઈચ્છે છે? મહિલા અનામતની તરફેણ ઉચ્ચવર્ણ/ મનુસ્મૃતિ ચાહકો/ મીડિયા કરે છે. મહિલા અનામતની તરફેણ કરનારાઓને મહિલાઓને આગળ લાવવી નથી; પરંતુ મહિલા અનામતના નામે ઉચ્ચવર્ણ/મનુસ્મૃતિ ચાહકવર્ગની મહિલાઓને રાજકારણમાં લાવીને બહુજનસમાજના રાજકીય પ્રભાવને પ્રભાવહીન કરવો છે. મહિલા અનામત એટલે પછાતવર્ગોને સત્તાથી વંચિત રાખવાની ચાલ ! મહિલા અનામતમાં પછાતવર્ગોની મહિલાઓ માટે ક્વોટા ન હોય તો ઓપન અનામતનો લાભ ઉચ્ચવર્ણની મહિલાઓ જ લઈ જાય ! ઉચ્ચવર્ણ/મનુસ્મૃતિ ચાહકોની દલીલ એવી છે કે “એક વખત મહિલા અનામત બિલ પસાર થઈ જવા દો, એ પછી સુધારા-વધારા થઈ શકશે; એમાં પછાતવર્ગોની બહેનો માટે અનામત રાખવાનો સુધારો થઈ શકશે !” આ ખંધાઈ છે. બિલમાં જ સુધારો શામાટે ન થઈ શકે?
દેશમાં સૌ પ્રથમ વંચિતોને સત્તામાં ભાગીદારી આપવા માટે જ્યોતિબા ફૂલેએ અવાજ ઊઠાવ્યો હતો. 1902માં છત્રપતિ શાહુ મહારાજે પછાતવર્ગો માટે 50% અનામતનો અમલ કર્યો. શાહુ મહારાજ કણબી હતા અને તેમણે રાજકોટની રાજકુમાર કોલેજમાં શિક્ષણ મેળવ્યું હતું. શાહુ મહારાજે 15 જાન્યુઆરી 1919 ના રોજ આદેશ કરેલ કે “રાજ્યની કોઈ પણ કચેરીમાં/ગ્રામ પંચાયતોમાં દલિત-પછાતવર્ગો સાથે સમાન વ્યવહાર કરવો. છૂતાછૂત સહન કરવામાં નહીં આવે. ઉચ્ચવર્ગોએ દલિતો સાથે માનવીય વ્યવહાર કરવો જ જોઈએ. જ્યાં સુધી માણસને માણસ સમજવામાં ન આવે ત્યાં સુધી સમાજનો ચોતરફ વિકાસ અસંભવ છે.” 15 એપ્રિલ 1920 ના રોજ નાસિકમાં ‘ઉદોજી વિદ્યાર્થી છાત્રાવાસ’ના પાયાવિધિ વેળાએ શાહુ મહારાજે કહ્યું હતું : “જાતિવાદનો અંત જરુરી છે. જાતિને સમર્થન આપવું તે ગુનો છે. આપણા સમાજની ઉન્નતિમાં સૌથી મોટી બાધા જાતિ છે. જાતિ આધારિત સંગઠનોને નિહિત સ્વાર્થ હોય છે.આવા સંગઠનોએ પોતાની શક્તિનો ઉપયોગ જાતિઓને મજબૂત કરવાને બદલે તેને ખતમ કરવા કરવો જોઈએ.” શાહુ મહારાજે કોલ્હાપુર નગરપાલિકાની ચૂંટણીમાં અછૂતો માટે બેઠક અનામત રાખી હતી; તેથી નગરપાલિકામાં પ્રમુખ અછૂત બનેલ ! આવું પ્રથમ વખત શક્ય બન્યું હતું. બ્રિટિશ કાળના ભારતમાં 10 સૌથી પ્રભાવશાળી રાજ્યમાં એક કોલ્હાપુર-રાજ્ય હતું. શાહુ મહારાજની લોક-કલ્યાણકારી નીતિઓથી પ્રભાવિત થઈને લંડનની કેમ્બ્રિજ યુનિવર્સિટીએ તેમને ‘ડોક્ટર ઓફ લો’ની પદવીથી સન્માનિત કર્યા હતા ! તે સમયે મહિલાને/વંચિતોને શિક્ષણ મળે તે લોકમાન્ય તિલક સહન કરી શક્યા ન હતા. તિલકે જ્યોતિબા ફૂલેને સમાજદ્રોહી કહ્યા હતા ! તિલક મનુસ્મૃતિ વાળો સમાજ ઈચ્છતા હતા. તિલકે 15 મે 1881ના રોજ પોતાના અખબાર-The Mahrattaમાં લખ્યું હતું : “કણબીઓના છોકરાઓને શિક્ષણ આપવું તે પૈસાની બરબાદી છે !” 10 મે 1891ના રોજ તિલકે લખ્યું હતું : “એક હિન્દુ રાષ્ટ્ર એમ માને છે કે જો તેની ઉપર જાતિનો પ્રભાવ ન હોય તો તે ક્યારનુંય ખતમ થઈ ગયું હોત ! રાનડે જેવા સુધારાવાદી લોકો જાતિની હત્યા કરી રહેલ છે અને એ રીતે તેઓ રાષ્ટ્રની પ્રાણ શક્તિને સમાપ્ત કરી રહ્યા છે ! અંગ્રેજી શિક્ષણ મહિલાઓને સ્ત્રીત્વથી વંચિત કરે છે. એ મેળવ્યા બાદ એક સુખી સાંસારિક જીવન જીવી શકતી નથી ! મહિલાઓને માત્ર દેશી ભાષાઓ/ નૈતિક વિજ્ઞાન/સિલાઈ-રસોઈની શિક્ષા આપવી જોઈએ !” શું તિલકની આવી વિચારધારા અમલી બનશે? અફસોસની બાબત એ છે કે જ્યોતિબા ફૂલે તરફ જવાને બદલે, આપણે 2023માં તિલક તરફ જઈ રહ્યા છીએ !
સવાલ OBC માટે અનામતનો છે. લોકસભા અને વિધાનસભાઓમાં OBC માટે અનામત નથી. એ આવે તો જ OBCની મહિલાઓ માટે પણ અનામત આવે. ટૂંકમાં ‘નારીશક્તિ વંદન વિધેયક’ એ રાજકીય છેતરપિંડી છે. આ વિધેયકથી SC/STની મહિલાઓ માટે અનામત આવી પણ OBCની મહિલાઓ માટે જોગવાઈ નથી. 30 વરસથી મહિલાઓ માટે અનામત આવતી ન હતી, તેનું જે કારણ હતું તે ધ્યાને લેવાયું નથી ! OBCની મહિલાઓને પણ અનામત મળે તે માટેનો આગ્રહ હતો. OBCને અને તેમની મહિલાઓને પંચાયતો અને પાલિકાઓમાં અનામત આપવાનું કામ 1992માં કોંગ્રેસની સરકારે 73મો અને 74મો બંધારણ સુધારો કરીને કર્યું. કોંગ્રેસ પાસે લોકસભામાં સંપૂર્ણ બહુમતી નહોતી તેમ છતાં પણ એ સુધારો થયો હતો. અત્યારે તો સત્તાપક્ષ પાસે સંપૂર્ણ બહુમતી છે તો તેઓ શું OBCને માટે અનામતની જોગવાઈ ન કરી શકે?rs

[wptube id="1252022"]





