
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાઅર્જુન ખડગેએ લોકસભા ચૂંટણીમાં સારું પ્રદર્શન કર્યા બાદ એક પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. તેમણે કહ્યું કે પ્રજાએ કોઈ પક્ષને બહુમતી નથી આપી. આ લડાઈ પ્રજા વિરુદ્ધ મોદી હતી. પીએમ મોદીએ અમારી વિરુદ્ધ જે જુઠ્ઠાણાં ફેલાવ્યાં તે પ્રજાએ નકારી કાઢ્યાં. અમારું અભિયાન સકારાત્મક હતું. અમે લોકોના મુદ્દા ઊઠાવ્યાં. બેરોજગારી, મોંઘવારી જેવા મુદ્દાઓ પર આ ચૂંટણી લડી. આ પીએમ મોદીનો નૈતિક પરાજય છે. અમે જનમતનો સ્વીકાર કરીએ છીએ.
ખડગેએ કહ્યું કે, ભાજપે બંધારણીય સંસ્થાઓ પર કબજો કરવાનો પ્રયાસ કર્યો. તેમણે લોકોને પણ ધમકાવ્યા અને તેઓ ન માન્યા તો જેલમાં ધકેલી દીધા. આ ઉપરાંત તેમણે પાર્ટીઓ પણ તોડી. લોકો જાણી ગયા હતા કે, જો મોદીને બહુમતી મળશે તો તેનો દુરુપયોગ થશે. ભાજપ આ વખતે ષડયંત્ર રચવામાં સફળ થયું નથી, તેની મને ખુશી છે. પ્રતિક્રિયાના અંતે ખડગેએ રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને સોનિયા ગાંધી તેમજ દેશના કરોડો કાર્યકર્તાઓ તથા ઈન્ડિયા ગઠબંધનના તમામ સાથીઓ અને શુભેચ્છકોનો આભાર વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે, અમારી લડાઈ હજી તેના અંત સુધી પહોંચી નથી, અમારે લોકો માટે, બંધારણની રક્ષા માટે અને વિપક્ષના મુદ્દાઓ માટે લડતા રહેવાનું છે.