Pamphlets : સંસદમાં ઘૂસણખોરી કરનારા ક્રાંતિકારી ભગત સિંહ દ્વારા ‘સેન્ટ્રલ એસેમ્બલી’ની અંદર બોમ્બ ફેંકવાની ઘટનાનું પુનરાવર્તન કરવા માંગતા હતા.

સંસદ સુરક્ષા ભંગ કેસમાં દરરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. આ કેસમાં તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. મુખ્ય આરોપી લલિત ઝાએ પણ દિલ્હી પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું, ત્યારબાદ તેને સ્પેશિયલ સેલને સોંપવામાં આવ્યો હતો. હવે આ મામલે મોટો ખુલાસો થયો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, લોકસભાની સુરક્ષાના ભંગની ઘટનાના બે આરોપીઓ 1929 દરમિયાન ભારતમાં બ્રિટિશ શાસન દરમિયાન ક્રાંતિકારી ભગત સિંહ દ્વારા ‘સેન્ટ્રલ એસેમ્બલી’ની અંદર બોમ્બ ફેંકવાની ઘટનાનું પુનરાવર્તન કરવા માંગતા હતા.
આ અંગે એક અધિકારીએ જણાવ્યું કે આરોપી પાસે કબજામાંથી એક પેમ્ફલેટ મળી આવ્યું છે, જેમાં લખવામાં આવ્યું છે કે, ‘વડાપ્રધાન ગુમ છે અને જે પણ તેમને શોધી કાઢશે તેને સ્વિસ બેંકમાંથી પૈસા મળશે.’ પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે જૂતામાં સ્મોક બૉમ્બ છૂપાવવા માટે સ્પેશિયલ રીતે ડિઝાઇન કરવામાં આવ્યા હતા. અધિકારીએ જણાવ્યું કે, આ કેન (સ્મોક બૉમ્બ) લખનૌથી સાગર શર્માએ ખરીદ્યા હતા. પોલીસે જણાવ્યું કે આરોપીઓએ સંસદમાં પત્રિકાઓ ફેંકવાની યોજના બનાવી હતી. તેમણે ત્રિરંગા ઝંડા પણ ખરીદ્યા હતા.
સૂત્રોએ જણાવ્યું કે આરોપીઓ પાસેથી કેટલાક વધુ પેમ્ફલેટ મળી આવ્યા છે, જેમાં યુવાનોને સરકાર વિરુદ્ધ ઉશ્કેરતા સંદેશાઓ હતા. એક સૂત્રએ જણાવ્યું હતું કે, “આવા જ એક પેમ્ફલેટ પર લખવામાં આવ્યું હતું કે, ‘દેશ માટે જે ઉકળતું નથી તે લોહી નહિ પાણી છે .’ આરોપી સાગર શર્મા અને મનોરંજન શૂન્ય કલાક દરમિયાન પ્રેક્ષક ગેલેરીમાંથી લોકસભાની ચેમ્બરમાં કૂદી ગયા અને પીળો ધુમાડો છોડ્યો હતો. પીળો ગેસ છોડતી વખતે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. જોકે, સાંસદોએ તેમને પકડી લીધા હતા. તે જ સમયે, સંસદ ભવન બહાર, અમોલ શિંદે અને નીલમે કેનમાંથી લાલ અને પીળો ધુમાડો ફેલાવ્યો અને “સરમુખત્યારશાહી નહીં ચાલે” વગેરે જેવા સૂત્રોચ્ચાર કર્યા.