
અયોધ્યામાં ભગવાન રામના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમની જોરશોરથી તૈયારીઓ કરવામાં આવી રહી છે. દરેક વ્યક્તિ આ ઐતિહાસિક દિવસના સાક્ષી બનવાની તૈયારીમાં છે. બીજી તરફ આ મુદ્દે ભારે રાજનીતિ પણ થઈ રહી છે. બીજેપી દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં આમંત્રણ ન આપવાના કારણે વિરોધ પક્ષના અનેક નેતાઓ ભારે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે અને ભાજપ પર રામના નામ પર રાજનીતિ કરવાનો આરોપ લગાવી રહ્યા છે. આ મુદ્દે શિવસેના પ્રમુખ (UBT) ઉદ્ધવ ઠાકરેનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું છે કે તેમને અયોધ્યા જવા માટે કોઈના આમંત્રણની જરૂર નથી.
મુંબઈમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે તેમને કાર્યક્રમમાં સામેલ થવા માટે કોઈ આમંત્રણ નથી મળ્યું. તેમણે કહ્યું કે 22 જાન્યુઆરીના રોજ જ અયોધ્યા જવું એ જરૂરી નથી. હું જ્યારે ઈચ્છું ત્યારે રામલલાના દર્શન કરવા જઈ શકુ છું. તેના માટે મને કોઈના આમંત્રણની જરૂર નથી. તેમણે કહ્યું કે મને હજુ સુધી કાર્યક્રમનું આમંત્રણ નથી મળ્યું.
ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, રામ મંદિરના નિર્માણમાં તમામ લોકોને હાથ છે. તેના માટે સેંકડો લોકોએ પોતાનું બલિદાન આપ્યુ છે. ઉદ્ધવ ઠાકરેએ બીજેપી પર નિશાન સાધતા કહ્યું કે, રામ મંદિરને બીજેપીએ નહીં પરંતુ સુપ્રીમ કોર્ટે બનાવ્યુ છે. આવી સ્થિતિમાં તેના પર રાજનીતિ ન થવી જોઈએ. તેમણે કહ્યું કે, જ્યારે રામ મંદિરનું નિર્માણ ન થયુ હતું ત્યારે પણ તેઓ રામલલાના દર્શન કરવા માટે અયોધ્યા ગયા હતા અને આગળ પણ મારી ઈચ્છા હશે ત્યારે અયોધ્યા જઈશ.
22 જાન્યુઆરીના રોજ યોજાનાર આ પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં સામેલ થવા માટે મંદિરના ટ્રસ્ટે ઘણી મોટી હસ્તીઓને આમંત્રણ મોકલ્યુ છે. જેમાં રાજકીય પાર્ટીના વડા પણ સામેલ છે. બીજી તરફ અનેર રાજનીતિક હસ્તીઓનો આરોપ છે કે, તેમને આમંત્રણ મોકલવામાં નથી આવ્યું. તેના પર અનેક લોકોએ નારાજગી વ્યક્ત કરી છે.










