NATIONAL

લવ મેરેજમાં જ થાય છે મોટાભાગના છુટાછેડા : સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હી, તા.17 મે-2023, બુધવાર

આજે સુપ્રીમ કોર્ટે લવ મેરેજ અને છુટાછેડાને લઈને એક મહત્વની ટિપ્પણી કરી છે. સુપ્રીમ કોર્ટમાં આજે એક દંપત્તી વચ્ચેના વૈવાહિક વિવાદના કેસની સુનાવણી હાથ ધરવામાં આવી હતી, જેમાં કોર્ટે સુનાવણી દરમિયાન લવ મેરેજ અને છુટાછેડાને લઈને મોટી ટિપ્પણી કરી છે. અહીં જસ્ટિસ બીઆર ગવઈએ કહ્યું કે, છૂટાછેડાના મોટાભાગના કેસ લવ મેરેજમાં જોવા મળી રહ્યા છે.

બાર અને બેંચના અહેવાલ મુજબ, જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ સંજય કરોલની 2 સભ્યોની ખંડપીઠે વૈવાહિક વિવાદ સંબંધિત ટ્રાન્સફર અરજી પર સુનાવણી કરી હતી. આ દરમિયાન કેસના એક પક્ષના વકીલે કોર્ટને જણાવ્યું કે, દંપત્તિએ લવ મેરેજ કર્યા છે. તેના જવાબમાં જસ્ટિસ ગવઈએ કહ્યું કે, ‘મોટા ભાગના છૂટાછેડા લવ મેરેજમાં જ થઈ રહ્યા છે.’

અહેવાલો અનુસાર, કોર્ટે ફરીથી આ મામલામાં મધ્યસ્થીનો પ્રસ્તાવ મૂક્યો છે, પરંતુ મહિલાના પતિએ તેનો વિરોધ કર્યો છે. જોકે આ અંગે કોર્ટે કહ્યું કે તાજેતરના એક નિર્ણયને જોતા તેઓ તેમની સંમતિ વિના પણ છૂટાછેડા આપી શકે છે. ત્યારબાદ સુપ્રીમ કોર્ટની ખંડપીઠે ફરી એકવાર દંપતીને મધ્યસ્થતામાં જવાની સલાહ આપી છે.

ઉલ્લેખનિય છે કે, સુપ્રીમ કોર્ટે હાલમાં જ પોતાના એક નિર્ણયમાં કહ્યું હતું કે, લગ્ન જારી રહેવાનું અશક્ય હોવાની સ્થિતિમાં તે કલમ 142 હેઠળ પોતાની તરફથી છુટાછેડાનો આદેસ આપી શકે છે. આ માટે ફેમિલી કોર્ટમાં જવાની અને છૂટાછેડા માટે 6 મહિનાના નિર્ધારિત સમયગાળાની રાહ જોવાની જરૂર નથી.

[wptube id="1252022"]
Back to top button