
અલ્હાબાદ હાઈકોર્ટે ગુનાહિત છબી ધરાવતા ઉમેદવારોના ચૂંટણી લડવા પર મહત્વપૂર્ણ ટિપ્પણી કરી છે. કોર્ટનું કહેવું છે કે જો ગુનાહિત ઈમેજ ધરાવતા લોકો ચૂંટાય છે તો તેનાથી લોકતાંત્રિક વ્યવસ્થાને ખતરો પડી શકે છે. હાઇકોર્ટે અપહરણ અને ખંડણી કેસમાં પૂર્વ સાંસદ ધનંજય સિંહને જામીન આપતાં આ વાત કહી છે.
જસ્ટિસ સંજય કુમાર સિંહે ધનંજય સિંહની સજાને સ્થગિત કરવાની અરજી ફગાવી દીધી હતી. સાથે જ હાઈકોર્ટે કહ્યું હતું કે, ‘ગુનાહિત બેકગ્રાઉન્ડ ધરાવતા લોકો ચૂંટણી પ્રક્રિયાને દૂષિત કરે છે. કારણ કે તેમને ચૂંટણી જીતવા માટે ગુનામાં સામેલ થવામાં કોઈ આપત્તિ હોતી નથી. જ્યારે લાંબો ગુનાહિત ઈતિહાસ ધરાવતી વ્યક્તિઓ ચૂંટાયેલ પ્રતિનિધિ અને કાયદાનો નિર્માતા બને છે, ત્યારે તે લોકતાંત્રિક વ્યવસ્થા માટે ગંભીર ખતરો ઉભો કરે છે.’
હાઈકોર્ટે કહ્યું કે, ‘જ્યારે આવા ગુનેગારો નેતાનો વેશ ધારણ કરીને સમગ્ર વ્યવસ્થાની મજાક ઉડાવે છે ત્યારે આપણી લોકશાહીનું ભવિષ્ય જોખમમાં મુકાઈ જાય છે. રાજકારણનું વધતું અપરાધીકરણ ખતરનાક છે, આ ભ્રષ્ટાચારને વધારવાની સાથે આપણી લોકતાંત્રિક રાજનીતિને ખોખલું બનાવી દે છે.
ન્યાયમૂર્તિ સંજય સિંહે કહ્યું, ‘કેસના તથ્યોને ધ્યાનમાં લેતા કે, સાક્ષીઓ ફરી જવાને કારણે 28 ફોજદારી કેસોમાં ધનંજય સિંહને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા અને તેમની વિરુદ્ધ 10 ફોજદારી કેસ હજુ પણ પેન્ડિંગ છે, મને એવું કોઈ યોગ્ય કારણ નથી દેખાતું કે નીચલી અદાલતના સજાના નિર્ણય પર રોક લગાવવી જોઈએ.
પૂર્વ સાંસદ ધનંજય સિંહ અને તેમના ભાગીદાર સંતોષ વિક્રમ સિંહે જૌનપુર કોર્ટના નિર્ણયને અલ્હાબાદ હાઈકોર્ટમાં પડકાર્યો હતો. અરજીની સુનાવણી બાદ જસ્ટિસ સિંહે 24 એપ્રિલે નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.










