
દિલ્હી સીએમ અરવિંદ કેજરીવાલને હાઈકોર્ટમાંથી ઝટકો લાગ્યો છે. દિલ્હી હાઈકોર્ટે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને રાહત આપવાનો ઈન્કાર કરતા કહ્યું કે, આ જામીનનો મામલો નથી. ધરપકડને પડકારવાનો છે. જણાવી દઈએ કે, સીએમ કેજરીવાલે એક્સાઇઝ પોલિસી મામલામાં મની લોન્ડરિંગ કેસમાં તેમની ધરપકડને પડકારી હતી. હાઈકોર્ટે આ અરજી ફગાવી દેતા ધરપકડને માન્ય ગણાવી હતી. સાથે જ હાઈકોર્ટે કહ્યું કે અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદ EDના રિમાન્ડને ગેરકાયદે ન કહી શકાય.
ED દ્વારા ધરપકડ અને અટકાયતને પડકારતી કેજરીવાલની અરજી કોર્ટે ફગાવી દીધી છે. જસ્ટિસ સ્વર્ણકાંતા શર્માએ ચુકાદો આપતાં કહ્યું કે, આ કેન્દ્ર સરકાર અને કેજરીવાલ વચ્ચેનો મામલો નથી, પરંતુ ED અને તેમની વચ્ચેનો મામલો છે. એજન્સીએ તેમની મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરી છે. આમાં કોઈને વિશેષાધિકાર આપી શકાય નહીં. ED પાસે પૂરતા પુરાવા છે. તપાસમાં મુખ્યમંત્રીને પૂછપરછમાંથી મુક્તિ આપી શકાય નહીં. ન્યાયાધીશો કાયદાથી બંધાયેલા છે, રાજકારણથી નહીં.










