દેશભરમાં બધા ડોક્ટરો માટે પ્રિસ્ક્રિપ્શનમાં જેનેરીક દવાઓ લખી આપવાનું ફરજિયાત બનાવવામાં આવ્યું

નવી દિલ્હીઃ નેશનલ મેડિકલ કમિશન (એનએમસી)એ નવા નિયમોની જાહેરાત કરી છે જે અંતર્ગત દેશભરમાં બધા ડોક્ટરો માટે પ્રિસ્ક્રિપ્શનમાં જેનેરીક દવાઓ લખી આપવાનું ફરજિયાત બનાવવામાં આવ્યું છે. પ્રિસ્ક્રિપ્શનમાં દવાની બ્રાન્ડના નામનો ઉલ્લેખ કરવાની મનાઈ કરવામાં આવી છે. આ નિયમોનું ઉલ્લંઘન કરનારા ડોક્ટરો અને હોસ્પિટલોનું તબીબી લાઇસન્સ રદ કરવામાં આવશે અને તેમની સામે દંડાત્મક કાર્યવાહી પણ કરવામાં આવશે. નવા નિયમોમાં ડોક્ટરને પહેલી વખત દર્દીની સારવાર નહીં કરવાનો પણ અધિકાર મળ્યો છે.
રજીસ્ટર્ડ મેડિકલ ઓફિસર્સની આચારસંહિતામાં નવા નિયમ ઘડવામાં આવ્યા છે. ડોક્ટરો જો પ્રિસ્ક્રિપ્શનમાં જેનેરીક દવાઓ લખવામાં આનાકાની કરતા હોવાનું બહાર આવશે તો તેમને પહેલા તો એલર્ટ કરવામાં આવશે અને સંબંધિત વ્યવસાયિક તાલીમ અને વર્કશોપમાં ભાગ લેવાનું જણાવવામાં આવશે. આ પછી પણ જો તબીબો એનએમસીના નિયમોનું ઉલ્લંઘન કરશે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. નવા નિયમોમાં પહેલી વખત ડોક્ટરોને રાહત પણ આપવામાં આવી છે. ડૉક્ટરોને હિંસક અને અસભ્ય વર્તન કરનારા દર્દીઓની સારવાર માટે ઇનકાર કરવાનો અધિકાર પણ આપવામાં આવ્યો છે. આ સિવાય દર્દી જો તેને જણાવેલી ફી ના ચૂકવે તો પણ ડોક્ટર સારવારનો ઇનકાર કરી શકે છે. જોકે, દર્દીને સારવારનો ઈનકાર કરતી વખતે ડૉક્ટરોએ દર્દીની ઉપેક્ષા ના થાય તેનું ધ્યાન રાખવું પડશે.
એનએમસીએ જણાવ્યું હતું કે જેનેરીક દવાઓ બ્રાન્ડેડ દવાઓ કરતા 30 થી 80% જેટલી સસ્તી હોય છે. જેનરિક દવાઓ ગુણવત્તાયુક્ત હોય છે. આ દવાઓ પ્રિસ્ક્રાઈબ કરવાથી સ્વાસ્થ્ય પર થતો ખર્ચ ઘટી શકે છે અને લોકોને ગુણવત્તાપૂર્ણ સારવાર મળી શકે છે.
ડોકટરો દ્વારા હસ્તલિખિત પ્રિસ્ક્રિપ્શન વર્ષોથી ચર્ચાનો વિષય છે. મેડિકલ કમિશને પણ આ અંગે ટિપ્પણી કરી છે. ડૉક્ટરોએ પ્રિસ્ક્રિપ્શન આપતી વખતે ભૂલો ટાળવી જોઈએ. ડૉક્ટરોએ પ્રિસ્ક્રિપ્શન ટાઈપ કરીને દર્દીઓને પ્રિન્ટેડ નોટ આપવી જોઈએ, એવું એનએમસીએ સૂચન કર્યું છે.
ઈન્ડિયન મેડિકલ કાઉન્સિલે 2002માં નિયમો જારી કર્યા હતા. જો કે, ડોકટરો સામાન્ય દવાઓના નિયમોનું સ્પષ્ટપણે ઉલ્લંઘન કરી રહ્યા હતા કારણ કે તેમાં દંડની કોઇ જોગવાઇ નહોતી. હવે નવા નિયમોમાં દંડની જોગવાઇ કરીને તબીબો તેમ જ હૉસ્પિટલોને પણ જવાબદાર બનાવવામાં આવી છે.
