બાગેશ્વર ધામમાં ધીરેન્દ્ર શાસ્ત્રી સામે જ ગુજરાતના યુવકનું મોત, બાબાએ ભભૂતી આપી છતાં જીવ ન બચ્યો

બાગેશ્વર ધામમાં ધીરેન્દ્ર શાસ્ત્રી સામે જ ગુજરાતના યુવકનું મોત થવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં ગુજરાતમાં પરિવાર સાથે રહી ફર્નીચરનું કામ કરતા યુવકનું મોત થયું છે. થોડા દિવસ પહેલાં જ યુવક સારા આરોગ્ય માટે પત્ની, સાળી અને પુત્ર સાથે બાગેશ્વર ધામ ગયો હતો. મૃતક યુવક મૂળ ગોરખપુરનો રહેવાસી હતો. હાલ પરિવાર મૃતક યુવકનો મૃતદેહ લઈને ગુજરાત આવવા રવાના થયો છે.
બાગેશ્વર ધામે ગયેલા યુવકને અચાનક ચક્કર આવવા લાગ્યા હતા અને તે બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી સામે જ નીચે પડી ગયો હતો. આ દરમિયાન પરિવારજનો તુરંત તેને જિલ્લાની હોસ્પિટલ લઈ ગયા હતા, જોકે ડોક્ટરો યુવકને મૃત જાહેર કર્યો હતો. મૃતકનું નામ વિજય કશ્યપ છે. મૃતકની સાળી મનીષાએ જણાવ્યું કે, પરિવારજનો વિજયને લઈને બાગેશ્વર ધામ આવ્યો હતો. મનીષાએ કહ્યું કે, તેના જીજા વિજય કશ્યપને આંચકી આવતી હતી. પરિવારજનોને આશા હતી કે, બાગેશ્વરી ધામમાં યુવક ઠીક થઈ જશે.
મૃતકની સાળી અને પોતને સેવાદાર કહેનાર એક વ્યક્તિએ જણાવ્યું કે, વિજયને અચાનક ચક્કર આવ્યા અને તે ત્યાં જ પડી ગયો.. તેઓ તમામ વિજયને લઈને બાગેશ્વર મહારાજ પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીની પાસે લઈ ગયા.. થોડીવાર સુધી તેના શ્વાસ ચાલી રહ્યા હતા, પછી તેમણે બોલવાનું બંધ કરી દીધું.
મૃતકની સાળી મનીષા અને સેવાદારે જણાવ્યું કે, ધીરેન્દ્ર શાસ્ત્રી મહારાજે વિજયને ભભૂતિ આપી હતી અને થોડો સમય સેવા પણ કરી, પરંતુ થોડા સમય બાદ વિજયનો શ્વાસ બંધ થઈ ગયો. તેને બાગેશ્વર ધામથી એમ્બ્યુલન્સ દ્વારા જિલ્લા હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.










