
ભારતીય રિઝર્વ બેંક (RBI)એ શુક્રવારે 2000 રૂપિયાની ગુલાબી નોટો પર મોટો નિર્ણય લીધો અને તેને સર્કુલેશનમાંથી પરત લેવાની જાહેરાત કરી છે. જો કે રિઝર્વ બેંકે સ્પષ્ટ કહ્યું છે કે 2000 રૂપિયાની નોટ હાલ ચાલુ રહેશે અને તેને સરળતાથી અન્ય મૂલ્યની નોટો સામે એક્સચેન્જ કરાવી શકાય છે. તેના માટે તારીખ પણ નક્કી કરી દેવામાં આવી છે. પણ 2000 રૂપિયાની નોટને લઈને હજુ પણ લોકોના મગજમાં ઘણા સવાલ ફરી રહ્યા છે. તેમાંથી એક છે કે જેમની પાસે બેંક ખાતુ નથી, તે કેવી રીતે 2000 રૂપિયાની નોટને એક્સચેન્જ કરાવી શકશે?
આરબીઆઈએ કહ્યું કે 30 સપ્ટેમ્બર સુધી 2000 રૂપિયાની નોટ સર્કુલેશન બની રહેશે. એટલે કે જેમની પાસે આ સમયે 2000 રૂપિયાની નોટ છે, તેમને બેંકમાંથી એક્સચેન્જ કરવી પડશે. તેના માટે 30 સપ્ટેમ્બર સુધીનો સમય નક્કી કરવામાં આવ્યો છે. ભારતીય રિઝર્વ બેંકે બેંકોને સલાહ આપી છે કે તેઓ તત્કાલ પ્રભાવથી 2000 રૂપિયાની નોટ જારી કરવાનું બંધ કરી દે. એટલે કે બેંક હવે ગ્રાહકોને 2000ની નવી નોટ નહીં આપે.
હવે સવાલ એ થાય છે કે કોઈ પણ ગ્રાહક શું તે બેંકમાંથી 2000 રૂપિયાની નોટને બદલી શકે છે, જેમાં તેનું એકાઉન્ટ હોય? રિઝર્વ બેંકે સ્પષ્ટ રીતે કહ્યું છે કે કોઈ પણ વ્યક્તિ દેશની કોઈ પણ બેંકની બ્રૉન્ચમાંથી એકવારમાં 20,000 રૂપિયા સુધીની મર્યાદા સુધીની 2000 રૂપિયાની નોટ બદલાવી શકે છે. એટલે કે બેંકમાં ખાતુ હોવું જરૂરી નથી. રિઝર્વ બેંકે એ પણ કહ્યું છે કે નોટ બદલવાની સુવિધા નિશુલ્ક હશે.
એકવારમાં 20 હજાર રૂપિયાથી વધારેની 2000 રૂપિયાની નોટ નહીં બદલી શકાય. રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયાએ 2000 રૂપિયાની નોટને ‘ક્લીન નોટ પૉલિસી’ અંતર્ગત બંધ કરવાનો નિર્ણય કર્યો છે. આ પૉલિસી અંતર્ગત આરબીઆઈ ધીરે-ધીરે 2000ની નોટ બજારમાંથી પરત લઈ લેશે. સરકારી આંકડા પ્રમાણે હાલ 3.62 લાખ કરોડ રૂપિયાની 2000ની નોટ સર્કુલેશનમાં છે. પણ ટ્રાન્જેક્શન ખૂબ જ ઓછું થઈ રહ્યું છે.
RBIની ગાઈડલાઈન પ્રમાણે, બેંકોમાં 2000ની નોટ બદલવા અલગ સ્પેશિયલ વિંડો હશે, જ્યાં તમે સરળતાથી 2000ની નોટ બદલી શકશો. સમય મર્યાદા પૂરી થયા બાદ તેને આરબીઆઈના માધ્યમથી બદલી શકાય છે. 30 સપ્ટેમ્બર બાદ 2000 રૂપિયાની નોટને બેંકોમાં એક્સચેન્જ / ડિપૉઝિટ નહીં કરી શકાય.










