
કર્ણાટકમાં શરૂ થયેલો હિજાબનો વિવાદ હવે ત્રિપુરા સુધી પહોંચી ગયો છે. ત્રિપુરાના સિપાહીજાલા જિલ્લા માંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. વિશ્વ હિન્દુ પરિષદ(VHP) કાર્યકર્તાઓએ એક વિદ્યાર્થીનીને માત્ર એટલા માટે શાળામાં પ્રવેશવા ન દીધી કારણ કે તેણે હિજાબ પહેર્યો હતો. જ્યારે વિદ્યાર્થીની સાથે હાજર એક સગીર વયનો છોકરાએ આ અંગે વાંધો ઉઠાવ્યો તો ટોળાએ તેને માર માર્યો હતો ત્યાર બાદ VHP કાર્યકર્તાઓએ વિદ્યાર્થીની સાથે ગર્વર્તન કરી મારપીટ કરી હતી. હાલ પોલીસે કેસ નોંધીને તેની તપાસ શરૂ કરી છે.
VHP કાર્યકર્તાઓ છોકરાને મારતા હતા, તે દરમિયાન શાળાના આચાર્ય, શિક્ષક અને અન્ય સ્ટાફ મેમ્બર્સ પણ હાજર હતા છતાં કોઈ વિદ્યાર્થીની અને તેની સાથે રહેલા છોકરાને બચાવવા આગળ ન આવ્યા. આ ઘટનાને લઈને સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ ઘટનાનો સ્થાનિક લોકોએ વિરોધ કર્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર આ ઘટનાને અંજામ આપનારા શખ્સો બહારથી આવ્યા હતા.
એક અખબારી અહેવાલ મુજબ કોરોઈમુરા હાયર સેકન્ડરી સ્કૂલના પ્રિન્સિપાલે જણાવ્યું કે થોડા દિવસો પહેલા વિશ્વ હિંદુ પરિષદ સાથે જોડાયેલા કેટલાક લોકો સ્કૂલમાં આવ્યા હતા અને તમામ વિદ્યાર્થીઓને સ્કૂલ ડ્રેસમાં આવવાનું ફરજીયાત બનાવવા માંગ કરી હતી. પરંતુ તે પછી શાળા પ્રશાસન દ્વારા હિજાબ પહેરવા કે ન પહેરવા અંગે કોઈ સ્પષ્ટ સૂચના આપવામાં આવી નથી. કારણ કે આ અંગે સરકાર તરફથી કોઈ સૂચના મળી નથી.
શાળાના પ્રિન્સિપાલે કહ્યું કે, ગુરુવારે કેટલાક વિદ્યાર્થીઓ કેસરી કુર્તા પહેરીને સ્કૂલમાં આવ્યા હતા, ત્યારબાદ તેમણે આ વિદ્યાર્થીઓને સ્કૂલ ડ્રેસમાં આવવા કહ્યું હતું. વિદ્યાર્થીઓએ કહ્યું કે તેઓ ત્યારે જ સ્કૂલ ડ્રેસમાં આવશે જ્યારે તમામ વિદ્યાર્થીઓ તેનું પાલન કરશે.
વિદ્યાર્થી પર હુમલાના થોડા કલાકો પછી, સિપાહીજાલા પોલીસે એક નિવેદન બહાર પાડીને આ મામલામાં કોઈ ધાર્મિક એન્ગલ હોવાનો ઇનકાર કર્યો હતો. પોલીસે જણાવ્યું કે માહિતી મળતાની સાથે જ તે ઘટના સ્થળે પહોંચી ગયા હતા. નિવેદનમાં લોકોને શાંતિ જાળવવા અને કોઈપણ અફવાઓ પર ધ્યાન ન આપવા જણાવ્યું હતું. આ સાથે અફવા ફેલાવનારાઓ સામે કેસ દાખલ કરીને કડક કાર્યવાહી કરવાની ચેતવણી આપવામાં આવી છે.










