
નવી દિલ્હી: કેન્દ્રીય એજન્સીઓ સીબીઆઇ અને ઇડી પર દુરુપયોગનો આરોપ લગાવીને ૧૪ વિપક્ષોએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. આ અરજીની સુનાવણી મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચૂડની બેંચ દ્વારા બુધવારે કરવામાં આવશે. વિપક્ષે માગણી કરી છે કે સુપ્રીમ કોર્ટ એજન્સીઓનો દુરુપયોગ અટકાવવા માટે ગાઇડલાઇન જાહેર કરવા કેન્દ્ર સરકારને આદેશ આપે.
ઇડી અને સીબીઆઇ દ્વારા દાખલ કેસો અને પાડવામાં આવેલા દરોડાની સંખ્યા પણ અગાઉ કરતા બમણી થઇ ગઇ છે. વિપક્ષનો આરોપ છે કે જે પણ લોકોની સામે તાજેતરમાં સીબીઆઇ અને ઇડીએ કાર્યવાહી કરી છે તેમાંથી મોટા ભાગના વિપક્ષના નેતાઓ કે વિપક્ષ સાથે સંકળાયેલા લોકો છે. કેન્દ્ર સરકાર બદલાની ભાવનાથી આ એજન્સીઓનો દુરુપયોગ કરી રહી હોવાનો આરોપ પણ વિપક્ષે કર્યો છે.
વિપક્ષની આ અરજીની સુનાવણી મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડ, ન્યાયાધીશ પીએસ નરસિમ્હા અને ન્યાયાધીશ જેબી પારડીવાલાની બેંચ દ્વારા કરવામાં આવશે. વરીષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવી દ્વારા કોંગ્રેસ સહિતના ૧૪ પક્ષો વતી દલીલો કરવામાં આવશે.
સિંઘવીએ અરજીમાં એવો દાવો કર્યો છે કે કેન્દ્રમાં ૨૦૧૪થી એનડીએની સરકાર સત્તામાં આવી ત્યારથી એજન્સીઓ દ્વારા દાખલ કેસોનું પ્રમાણ વધ્યું છે. જેમાં વિપક્ષના નેતાઓને જ વધુ નિશાન બનાવવામાં આવ્યા છે. બીજી તરફ દાખલ કેસોમાં દોષી ઠરેલાની સંખ્યા બહુ જ મામુલી છે. તેથી એજન્સીઓ દ્વારા ખોટા કેસો દાખલ કરાયા હોવાનો આરોપ પણ વિપક્ષે કર્યો છે.