ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસના આરોપી તથ્ય પટેલની જામીન અરજી કોર્ટે ફગાવી

અમદાવાદઃ શહેરમાં ઈસ્કોન બ્રિજ પર જેગુઆર કારથી 9 લોકોને કચડી નાંખનાર આરોપી તથ્ય પટેલની જામીન અરજી કોર્ટે ફગાવી દીધી છે. જેથી તથ્ય પટેલને હવે જેલમાં જ રહેવું પડશે.કોર્ટમાં આરોપી તથ્યએ જેલમાં ઘરનું જમવાનું નહીં મળતું હોવાનું તેમજ વકીલને નહીં મળવા દેવાતા હોવાની ફરીયાદ કરી છે. અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં સેન્ટ્રલ જેલ સાબરમતીથી તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલને વીડિયો કોફરન્સથી ઉપસ્થિત રાખવામાં આવ્યા હતાં.
ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં આરોપી તથ્ય પટેલ અને પ્રજ્ઞેશ પટેલ સામેની ટ્રાયલ શરૂ થઈ છે. આરોપીઓ સામે સેશન્સ કેસ નોંધાયો છે. સેશન્સ કેસ નંબર 115/ 2023થી કેસ નોંધાયો છે. તથ્ય પટેલને વિડિયો કોન્ફરન્સથી કોર્ટ સમક્ષ રજૂ કરાયો હતો. સરકારી વકીલે કોર્ટમાં કહ્યું કે, જે વકીલનું વકીલ પત્ર રજૂ થયું છે તે વકીલને મળવા દેવામાં આવે છે.મૃતક પરિવારજનના વકીલે જામીન અરજીનો વિરોધ કર્યો હતો. તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલના જામીન પણ ગ્રામ્ય કોર્ટે ફગાવી દીધા હતા. પ્રજ્ઞેશ પટેલે કેન્સરની સારવાર માટે જામીન માંગ્યા હતા.પ્રજ્ઞેશ પટેલે ગુજરાત હાઇકોર્ટમાં રેગ્યુલર જામીન અરજી દાખલ કરી છે. પ્રજ્ઞેશ પટેલે કેન્સરની બીમારી સહિતના કારણો આગળ ધરી જામીન આપવા હાઇકોર્ટને વિનંતી કરી છે.
તથ્યએ અગાઉ કેટલીક બાબતોને લઈને કોર્ટમાં માગણીઓ કરી હતી, કોર્ટે જે તે સમયે તથ્યને કેટલીક રાહતો આપી હતી. જેલ મેન્યુઅલ પ્રમાણે પ્રાપ્ત થતી બાબતો પર કોર્ટે રાહત આપી હતી. તથ્ય પટેલે જેલમાં ભોજન ભાવતું નથી તેથી તેને બહારથી ટિફિન વ્યવસ્થા મળી શકે તે માટે અરજી કરી હતી. ટિફિન આપવા આવનાર સાથે મુલાકાત થાય અને તે માટે પરવાનગી માગી હતી. તથ્યએ ગ્રામ્ય કોર્ટ સમક્ષ માગણી કરી હતી કે તેનો અભ્યાસ પુરો કરવાનો હોવાથી બુક જેલમાં લાવવા દેવાય. તેણે આ અરજીમાં કેસને લગતા જરૂરી ડોક્યુમેન્ટ્સ માગ્યા હતા. સાથે જ બાઈક ચાલકે ઉતારેલા વીડિયો અને સીસીટીવી ફૂટેજીસની માગ કરી હતી. તેણે કોર્ટ સમક્ષ એવી પણ રજૂઆત કરી હતી કે પરિવારના સભ્યોને જેલમાં અઠવાડિયામાં એક જ મુલાકાત કરવાની પરવાનગી છે. આ પરવાનગીને વધારવામાં મતલબ કે અઠવાડિયામાં મુલાકાત માટે આવવાના વારામાં વધારો કરવાની તેણે માગ કરી હતી.