ડોક્ટરોને ફાર્મા કંપનીઓ પાસેથી ભેટ સ્વીકારવી અથવા કોઇપણ દવાની બ્રાન્ડને સમર્થનની મનાઇ ફરમાવવામાં આવી

નવી દિલ્હીઃ ડોક્ટરોને ફરજિયાત જેનરિક દવાઓ લખવાના નિયમને સ્થગિત કર્યો હોવાની નેશનલ મેડિકલ કમિશન(એનએમસી)એ ગુરુવારે જાહેરાત કરી હતી. એટલું જ નહીં, ડોક્ટરોને ફાર્મા કંપનીઓ પાસેથી ભેટ સ્વીકારવી અથવા કોઇપણ દવાની બ્રાન્ડને સમર્થનની મનાઇ ફરમાવવામાં આવી છે.
રજિસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિશનર(પ્રોફેશનલ કન્ડકટ) રેગ્યુલેશન્સ, ૨૦૨૩માં બીજી ઓગસ્ટના આ જાહેરનામું બહાર પડવામાં આવ્યું હતું. જેમાં ડોક્ટરોએ ફરજીયાત દર્દીને જેનરિક દવા લખવાનો આદેશ આપ્યો હતો અને એમ ન કરવા પર દંડ અને લાઈસન્સ રદ્દ કરવાની પણ જાહેરાત કરી હતી, જે સામે આઇએમએ અને આઇપીએ ચિંતા વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે, ગુણવત્તા અંગે અનિશ્ચિતતાને લીધે આમ કરવું શક્ય નથી.
આ અગાઉ એનએમસીએ ડોક્ટરોને બ્રાન્ડેડ જેનેરિક દવાઓ લખવાથી બચવા માટે અનુરોધ કર્યો હતો. જોકે, આજે આઇએમએ અને આઇપીએના સભ્યો સોમવારે કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાને મળ્યા હતા અને નિયમો અંગે ચિંતા વ્યકત કરી હતી. ત્યાર બાદ ગુરૂવારે જારી કરાયેલા જાહેરનામામાં એનએમસીએ જણાવ્યું હતું કે તે રજિસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિશનર(પ્રોફેશનલ કન્ડકટ) રેગ્યુલેશન્સ, ૨૦૨૩ તાત્કાલિક અસરથી સ્થગિત કરવામાં આવે છે.
નેશનલ મેડિકલ કમિશનના રજિસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિશનર (પ્રોફેશનલ કન્ડક્ટ) રેગ્યુલેશન્સ, 2023 એ અન્ય નિર્દેશો સાથે ડૉક્ટરો માટે જેનરિક દવાઓનું પ્રિસ્ક્રિપ્શન ફરજિયાત બનાવ્યું હતું. રેગ્યુલેટરી બોડીએ જણાવ્યું હતું કે બ્રાન્ડેડ દવાઓ કરતાં જેનરિક દવાઓ 30 થી 80 ટકા સસ્તી હોવાથી આ નવો નિયમ હેલ્થકેર ખર્ચમાં ઘટાડો કરશે.










