NATIONAL

‘INDIA’નું પ્રતિનિધિમંડળ મણિપુરની મુલાકાતે રવાના

દિલ્હી: મણિપુરમાં થઇ રહેલી હિંસાને હવે 3 મહિના જેટલો સમય થવા આવ્યો છે. વિપક્ષ સતત કેન્દ્ર સરકાર પર પ્રહારો કરી રહ્યું છે અને મણિપુર હિંસાને લઈને સરકાર પાસે જવાબ માંગી રહ્યું છે. ત્યારે ‘ઇન્ડિયન નેશનલ ડેવલપમેન્ટલ ઇન્ક્લુઝિવ એલાયન્સ (INDIA)’ના સાંસદોનું એક પ્રતિનિધિમંડળ મણિપુર જઇ રહ્યું છે. આ પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરી રહેલા સાંસદ ગૌરવ ગોગોઈએ કહ્યું કે વડાપ્રધાન ભલે મણિપુરને ભૂલી ગયા હોય પરંતુ અમે નથી ભૂલ્યા, તેથી અમે પીડિતોની વચ્ચે જઈ રહ્યા છીએ.
તેમણે કહ્યું, ‘એ વાત સાચી છે કે અમારા માટે હિંસા પ્રભાવિત સ્થળોએ જવું મુશ્કેલ છે, પરંતુ અમે રાજ્યમાં ચાલી રહેલી હિંસાથી પ્રભાવિત લોકોને રાહત શિબિરોમાં જઈને મળીશું. અમે જોઈશું કે સરકાર હિંસાથી પ્રભાવિત લોકો માટે શું કરી રહી છે. સરકારે તેમના માટે અત્યાર સુધી શું કર્યું છે? અમે ત્યાં જઈ રહ્યા છીએ જેથી અમે મણિપુરના લોકોની સ્થિતિ સંસદમાં રજૂ કરી શકીએ.
લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરીએ કહ્યું કે, અમે મણિપુરની પીડા અને વેદના જાણવા જઈ રહ્યા છીએ. મણિપુરનો મુદ્દો ગંભીર બની રહ્યો છે. મણિપુરમાં રમખાણો થઈ રહ્યા છે. સરકાર મણિપુરને લઈને ગંભીર નથી. મને લાગે છે કે અમને ઘણી જગ્યાએ જવાની પણ મંજૂરી આપવામાં નહિ આવે. સરકાર મણિપુર અંગે ઘણું છુપાવી રહી છે.
વિપક્ષી ગઠબંધન INDIAના કુલ 21 સાંસદો મણિપુરના પ્રવાસે રવાના થયા છે. જેમાં કોંગ્રેસના 4 સાંસદ, જેડીયુના 2 સાંસદ, ટીએમસીના 1 સાંસદ, ડીએમકેના 1 સાંસદ, આરએલડીના 1 સાંસદ, શિવસેના (યુબીટી)ના 1 સાંસદ, AAPના 1 સાંસદ અને અન્ય વિપક્ષી પાર્ટીઓના 10 વધુ સાંસદો સામેલ છે. સંસદમાં સતત હોબાળા વચ્ચે વિપક્ષ મણિપુરને લઈને સરકાર પર સતત પ્રહારો કરી રહ્યો છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button