
દેશમાં ચોમાસાના આગમનની તૈયારીઓ છે ત્યારે પશ્ચિમ બંગાળમાં મોડી રાત્રે રેમલ ચક્રવાત ત્રાટક્યું હતું. રેમલની પશ્ચિમ બંગાળમાં અસર જોવા મળી હતી. વાવાઝોડાને કારણે કેટલાક ઘરને નુકસાન થયું છે જ્યારે કેટલાક ઝાડ પણ પડી ગયા હતા. રેમલ વાવાઝોડું રવિવાર રાત્રે પશ્ચિમ બંગાળના સાગર ટાપુ અને બાંગ્લાદેશના ખેપુપારા વચ્ચે 135 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ત્રાટક્યું હતું.
હવામાન વિભાગે પશ્ચિમ બંગાળ અને ઉત્તર ઓરિસ્સાના જિલ્લામાં 26-27 મેએ ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે. આસામ અને મેઘાલયમાં પણ ભારે વરસાદ પડવાની આશંકા છે. હવામાન વિભાગ અનુસાર, આ કેટલાક સમય સુધી ઉત્તર તરફ અને પછી ઉત્તર-ઉત્તર પૂર્વ તરફ વધતુ રહેશે.
વાવાઝોડુ રેમલ હવે નબળુ પડી રહ્યું છે. આગામી કેટલાક કલાકમાં તે નબળુ પડશે. ઉત્તર બંગાળની ખાડીની ઉપર રેમલ છેલ્લા 6 કલાક દરમિયાન 11 કિમી પ્રતિ કલાકની ગતિ સાથે લગભગ ઉત્તર તરફ વધી ગયુ છે. સાગર ટાપુ વચ્ચે બાંગ્લાદેશ અને આસપાસના પશ્ચિમ બંગાળના દરિયા કિનારાને પાર કરી ગયુ છે.
NDRFની 14 ટીમોને કોલકાતા સહિત દક્ષિણ બંગાળના જિલ્લામાં તૈનાત કરવામાં આવી છે. રાજ્ય સરકારે એસડીઆરએફ ટીમોને તૈયાર કરી છે. વાવાઝોડાએ કોલકાતા અને દક્ષિણ બંગાળના અન્ય ભાગમાં હવાઇ, રેલ અને વાહન વ્યવહાર પર બ્રેક લગાવી દીધી છે. પૂર્વ અને દક્ષિણ પૂર્વ રેલ્વેએ કેટલીક ટ્રેનોને રદ કરી છે. કોલકાતા એરપોર્ટે 21 કલાક માટે ફ્લાઇટનું સંચાલન સસ્પેન્ડ કર્યું છે જેને કારણે 394 ફ્લાઇટ પ્રભાવિત થઇ છે.
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ લોકોને ઘરમાં રહેવાનો આગ્રહ કર્યો છે. મેયર ફિરહાદ હકીમ અનુસાર, કોલકાતા મહાનગરપાલિકાના અધિકારીઓએ ઉંચી બિલ્ડિંગ અને જર્જરિત બિલ્ડિંગોમાંથી લોકોને બહાર કાઢ્યા છે. હકીમે કહ્યું, 15000 નાગરિક કર્મચારીોને વાવાઝોડા બાદ સ્થિતિ સામે લડવા માટે લગાવવામાં આવ્યા છે. વાવાઝોડાને કારણે દીધા, કાકદ્વીપ અને જયનગર જેવા વિસ્તારમાં સામાન્ય વરસાદ પડ્યો હતો.










