
મુંબઈ, તા. 16 સપ્ટેમ્બર 2023
બોમ્બે હાઈકોર્ટે શુક્રવારે પત્ની દ્વારા પતિ પર લગાવવામાં આવેલા માનસિક અને શારીરીક શોષણના આરોપોને નકારી કાઢ્યા હતા. બોમ્બે હાઈકોર્ટે કહ્યું કે, પતિ દ્વારા પત્નીને એવું કહેવું કે, ‘તારામાં અક્કલ નથી, તુ પાલગ છે’ તેને માનસિક શોષણ ન માની શકાય.
જસ્ટિસ નિતિન સામ્બ્રે અને શર્મિલા દેશમુખની બેન્ચે કહ્યું કે, કોઈ પણ રીતે એ કહેવું કે, તારામાં અક્કલ નથી, તુ પાગલ છે આને કોઈ પણ સ્થિતિમાં માનસિક શોષણ ન માની શકાય. આને ગાળની શ્રેણીમાં ન રાખી શકાય. પત્નીએ અદાલતને કહ્યું હતું કે, તેમનો પતિ તેમનું શારિરીક અને માનસિક શોષણ કરે છે.
પત્નીએ કોર્ટને કહ્યું હતું કે, તેનો પતિ મોડી રાત્રે ઘરે પરત ફરે છે અને પછી તેનું અપમાન કરવાના ઈરાદાથી તેના પર ઉંચો અવાજ કરે છે. કોર્ટે કહ્યું કે પત્નીએ એવી પ્રનુખ ઘટનાઓનો ઉલ્લેખ નથી કર્યો જે આ પ્રકારનું વર્તન દર્શાવે છે અને જેના આધારે એવું કહી શકાય કે પતિ પત્નીનું શોષણ કરે છે. કોર્ટમાં છૂટાછેડાની માંગ કરી રહેલા આ દંપતીએ 2007માં લગ્ન કર્યા હતા પરંતુ લગ્ન બાદ તરત જ મતભેદોનો સામનો કરવો પડ્યો હતો.
પતિએ આરોપ લગાવ્યો કે, તેમનું સંયુક્ત પરિવાર છે અને તેણે લગ્ન પહેલા જ જણાવી દીધુ હતું અને પત્નીને પહેલાથી જ બધુ ખબર હતું કે, તેઓ સંયુક્ત પરિવારમાં રહેશે પરંતુ લગ્ન બાદ તેણે આ બાબતે ફરિયાદ કરવાનું શરૂ કરી દીધું. તે અલગ રહેવા માંગે છે. પતિએ આરોપ લગાવ્યો કે, પત્ની તેમના માતા-પિતાનું સમ્માન નથી કરતી અને તેમની દેખરેખ પણ નથી રાખતી. પત્નીએ પતિના પરિવારજનો પર તેને કાયમ અપમાનિત કરવાનો આરોપ લગાવ્યો હતો.










